અમદાવાદ, તા.૮
કોરોના કાળમાં લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં અનેક ધંધો-રોજગાર અને ઉદ્યોગોને અસર પહોંચી છે અને અનેક લોકોની સ્થિતિ કથળી છે. ત્યારે જેમાં અન્ય અનેક સેવાઓ અને ઉદ્યોગની જેમ ટ્રાવેલ ઉદ્યોગની પણ સ્થિતિ કફોડી બની છે. ટ્રાવેલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ આ કોરોના સમગગાળામાં ટ્રાવેલ ઉદ્યોગને સો કરોડ કરતા વધુનું નુકસાન થયું છે. આજે અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં બળાપો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં કોરોના કારણે અનેક ઉદ્યોગોની જેમ ટ્રાવેલ્સ ઉદ્યોગની પણ સ્થિતિ કથળી છે. ટ્રાવેલ્સ એસો.ના પ્રમુખના જણાવ્યા મુજબ હજુ પણ ખાનગી બસોમાં ટ્રાફિક નહિવત રહેતા બસ માલિકોને મહિને ચૂકવવા પાત્ર આરટીઓ ટેક્સ અને રિ-પાસેસિંગ માટે નાણાકીય સગવડના ફાંફાં થઈ પડ્યા છે, આમ ખાનગી બસ માલિકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. એસી વોલ્વો બસોમાં સામાન્ય ટ્રાફિક પણ નથી મળતો જ્યારે નોન એસી બસોમાં પણ મુસાફરો પૂરતા પ્રમાણમાં મળતા નથી. કોરોનાના ડરના કારણે મુસાફરોની સંખ્યામાં જોરદાર ઘટાડો છે. હાલ માત્ર શ્રમિક વર્ગના થોડા ઘણા મુસાફરો જોવા મળે છે જેથી આવક નહિવત છે. હાલ ખાનગી બસ માલિકોને લાખોનો ફટકો પડ્યો હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત ટ્રાવેલ્સ ઓપરેટર એસો.ની મહામંત્રીના જણાવ્યા મુજબ ખાનગી બસ માલિકોને દર મહિને સરેરાશ ૩૦ હજારનો આરટીઓ ટેક્સ ભરવો પડે છે. જે આ મંદીમાં પરવડે તેમ નથી. આગામી ઓક્ટોબરથી બસનો આરટીઓ ટેક્સ નહીં ભરી શકાય. ત્યારે નોન યુઝ્‌ડ બસનો ટેક્સ માત્ર રૂા.૧૦૦ ભરવા તૈયાર છે. મોટાભાગના બસ માલિકો બસના ઈન્સ્યોરન્સની રકમ ભરી શકે તેવી સ્થિતિમાં નથી તેથી પોલિસી રિન્યૂ કરાવી શક્યા નથી.
એસો.ના સભ્યોના જણાવ્યા પ્રમાણે હાલ પાંચ ટકા લાંબા અંતરની ડેઈલી બસો દોડે છે. જેમાં અમદાવાદ, કચ્છ, ભૂજ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, રાજ્ય બહાર રાજસ્થાન, એમ.પી. ડેઈલી બસ સર્વિસ છે પણ તેમાં પૂરતો ટ્રાફિક નહીં મળતા બસની ટ્રીપ કેન્સલ થઈ રહી છે. ઘણા બસ માલિકોએ ર૦ લાખની બસ ૧૦-૧પ લાખમાં વેચવા કાઢી છે, પરંતુ કોઈ લેવાલી નથી.
બીજી તરફ બસ પડી રહેતા એક દિવસનો ખર્ચ ર૦૦૦થી ૪૦૦૦ ખર્ચ આવે છે. ગુજરાત-સૌરાષ્ટ્રના અમુક બસ માલિકો હવે અન્ય વ્યવસાયમાં જોડાઈ ગયા છે. ટ્રાવેલ્સ સ્ટાફ પણ બેકાર બન્યો છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં હાલ ૩૦૦૦ બસમાંથી ૧પ૦ બસો ચાલુ છે. બસ માલિકોને એક બસનો આરટીઓ ટેક્સ ર૦થી ૩૦ હજાર ભરવો પડતો હોય. આ બાબતે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી રાહત કે મુક્તિ આપે તેવી એસો.ની માગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૬ મહિના એડવાન્સ ટેક્સ માફ કરવામાં આવ્યો હતો, તે લાભ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. પણ ગુજરાતના અંદાજે પ૦૦૦થી વધુ પરિવારો જે વ્યવસાય પર નભે છે તે વ્યવસાયને ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ લાભ આપવામાં આવ્યો નથી.