અમદાવાદ, તા.૪
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી અન્ય અનેક સેવાઓની સાથે શિક્ષણકાર્ય પણ સંપૂર્ણ બંધ છે. જેને લઈ જૂન મહિનામાં તે અંગે લોકો જુદી-જુદી અટકળો બાંધી રહ્યા હતા, ત્યારે રાજ્યમાં શિક્ષણ વિભાગની બુધવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે, રાજ્યમાં ધોરણ ૧થી ૧રની શાળાઓ જૂન મહિનામાં શરૂ નહીં થાય, પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એટલે વિદ્યાર્થીઓના ઘરે શિક્ષકો પુસ્તકો પહોંચાડશે, જ્યારે રાજ્યની કોલેજો માટે એવો પરિપત્ર કરવામાં આવ્યો છે કે, સેમેસ્ટર ૩, પ અને ૭નું ઓનલાઈન શિક્ષણ ર૧મી જૂનથી શરૂ કરાશે. રાજ્યમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી શાળાઓ બંધ છે અને લોકડાઉનની સ્થિતિમાં તેમજ સંક્રમણને જોતા આગામી દિવસોમાં પણ શાળાઓ ખૂલે તેવી શક્યતા દેખાતી ન હતી, ત્યારે સરકારે શાળાઓ ખોલવા અંગે મોટું નિવેદન આપ્યું છે. કેબિનેટની મળેલી બેઠક પછી શિક્ષણ વિભાગની મળેલી બેઠકમાં શાળાઓ ક્યારથી ચાલુ કરવી, પ્રવેશ તેમજ કોરોનાના મુદ્દા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં અનેક નિર્ણયો લેવાયા છે. જેમાં લેવાયેલ કેટલાક નિર્ણયો મુજબ પ્રાથમિક વિભાગના આશરે બે લાખ અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગના આશરે ૧.રપ લાખ મળીને કુલ સવા ત્રણ લાખ જેટલા શિક્ષકો આશરે ૧,૪૬,૮૪,૦પપ વિદ્યાર્થીઓના ઘરે પુસ્તકો પહોંચાડશે. ઉપરાંત વિદ્યાર્થીઓને દૂરદર્શન જેવી ચેનલ મારફત તેમજ ઓનલાઈન શિક્ષણ આપવાનો પણ આરંભ કરવામાં આવશે તેમજ કોલેજ કક્ષાએ સેમેસ્ટર ૩, પ અને ૭નું ઓનલાઈન શિક્ષણનો ર૧મી જૂનથી આરંભ કરાશે, ત્યારે સરકારના આ નિર્ણયથી જૂન મહિનામાં શાળાઓમાં શિક્ષણ કાર્યનો આરંભ કરાશે કે નહીં ? તેવી અનેક અટકળોનો અંત આવ્યો છે, ત્યારે સરકારે કોરોના અને લોકડાઉનની સ્થિતિ સરકાર સાવચેતીને ધ્યાને રાખી શિક્ષણ કાર્યનો આરંભ કરશે.