અમદાવાદ મેડિકલ એસોસિએશનની ચેતવણી
ફેબ્રુઆરી માસમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે પહોંચી શકે

અમદાવાદ, તા.૩૦
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોના બેફામ બની ગયો છે. છેલ્લા એકાદ સપ્તાહથી રોજ ૧૫૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે રોજ ૧૫થી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે, રાજ્યની મોટાભાગની કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. ત્યારે અમદાવાદ મેડિકલો હેડિંગ એસોસિએશન દ્વારા ફરી એકવાર કોરોનાને લઈને મોટી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો હજૂ પણ લોકો કોરોનાને લઈ સાવધાની નહીં રાખે તો આવનારો સમય ખુબ જ કપરો સાબિત થઈ શકે છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના વડા મોનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, આ મહિનામાં જ કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ભણકારા સંભળાઈ રહ્યા છે. ગુજરાતમાં ફેબ્રુઆરીના મહિના દરમિયાન કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ શકે છે. કોરોનાની પ્રથમ લહેરમાં મૃત્યુઆંક ૧.૨ ટકા હતો. હાલ કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંક ૪ ટકા વધ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં આ આંકડો ચિંતાજનક સ્તરે વધી શકે છે. જે માટે હવે ગુજરાતના લોકોએ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે તેમજ કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરવો જ હિતાવહ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કેટલાક દિવસથી સતત ૨૦થી વધુ લોકોને કોરોના ભરખી રહ્યો છે, જ્યારે ૧૫૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણનો આંકડો બે લાખથી ઉપર પહોંચ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે. અમદાવાદ શહેરની સ્થિતિ તો એટલી હદે ખરાબ છે કે, સ્મશાનોમાં અગ્નિસંસ્કાર માટે પણ લાંબી લાઈનો જોવા મળે છે. સરકારી આંકડા અનુસાર અમદાવાદમાં મૃત્યુઆંક ૨ હજારની નજીક પહોંચ્યો છે. ત્યારે જો કોરોના અંગે હજી પણ ગફલત દાખવવામાં આવશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાના સંકેત વર્તાઈ રહ્યા છે.