અમદાવાદ, તા.૬

કોરોનાના દર્દીઓને સારવાર આપતી શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનામાં ૮ લોકોનાં મોત થયા છે. જેને પગલે કોરોના મહામારીમાં સૌ પ્રથમવાર કોરોનાના દર્દીઓનું પીએમ કરવામાં આવ્યું છે. તમામ મૃતકો ૪૦થી ૬૦ ટકા જેટલા દાઝયા હતા. ઉપરાંત આગને લીધે શ્વાસોશ્વાસમાં તકલીફ થતા તેમના મોત થયા હોવાનું  પ્રાથમિક તારણ સામે આવ્યું છે. વિગતવાર વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે સવારે ૯ વાગ્યા આસપાસ શ્રેય હોસ્પિટલમાં મૃત્યુ પામેલા આઠ  લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા હતા. કોરોનાનાં દર્દીઓનું પ્રથમ વખત પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.  બી.જે.મેડિકલના ૧૬ ડોકટરોની પેનલ દ્વારા પી.એમ. કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ડોકટરોએ પીપીઈ કીટ પહેરી હતી. પીએમના પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે કે તમામ મૃતકો ૪૦થી ૬૦ ટકા દાઝયા હતા તેમજ તમામના શ્વાસોશ્વાસમાં કાર્બન મોનોકસાઈડ જવાથી તેમના મોત થયા છે. હજી છેલ્લા રિપોર્ટ આવ્યા બાદ ઓથોરિટીને સોંપવામાં આવશે.