સંપૂર્ણ વ્યવસ્થા સાથે તા.૧૩ સપ્ટે.એ NEETની પરીક્ષા પણ લેવાશે : શિક્ષણમંત્રી
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૩૧
ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની જેઈઈ (મેઈન) અને મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટેની નીટ (યુજી)ની પરીક્ષાઓ યોજવા મુદ્દે દેશમાં કેટલાક રાજયોમાં વિવિધ સ્તરે વિરોધાત્મક પ્રદર્શનો વચ્ચે ગુજરાતમાં સંપૂર્ણ તકેદારી સાથે પરીક્ષા યોજવાની સરકાર તરફથી જાહેરાત કરાઈ છે. જેને પગલે રાજયમાં આવતીકાલે જેઈઈની પરીક્ષા યોજાવાની હોઈ તે અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આ પરીક્ષાને લઈ રાજયના ૧પ જિલ્લાના કલેકટર સાથે શિક્ષણમંત્રીએ વેબીનારના માધ્યમથી જરૂરી ચર્ચા કરવા ઉપરાંત માર્ગદર્શન આપ્યું હતું.
રાજયભરમાં કોરોના સંક્રમણ સંબંધિત સંપૂર્ણ તકેદારી સાથે રાજયના વિદ્યાર્થીઓના હિતમાં National Testing Agency, New Delhi દ્વારા લેવામાં આવનાર જેઈઈ (મેઈન) તથા નીટ (યુજી) પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના આયોજનની શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, સમગ્ર પરીક્ષા કોવિડ-૧૯ની મહામારીની પરિસ્થિતિમાં તથા વધુ વરસાદના સંજોગોમાં સારી રીતે પરિપૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સુસજ્જ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઈજનેરી અને ફાર્મસી માટેની જેઈઈ (મેઈન) તા.૧-૯-ર૦ર૦થી તા.૬-૯-ર૦ર૦ દરમ્યાન તથા મેડિકલ સંલગ્ન અભ્યાસક્રમો માટેની નીટ તા.૧૩-૯-ર૦ર૦ના રોજ યોજાશે. રાજયભરના ૧૩ જિલ્લાના ૩ર કેન્દ્રો ખાતેથી ૩૮,૧૬૭ વિદ્યાર્થીઓ જેઈઈ (મેઈન) પરીક્ષામાં તથા ૧૦ જિલ્લાના ર૧૪ કેન્દ્ર ખાતેથી ૮૦,ર૯૦ વિદ્યાર્થીઓ નીટ (યુજી)ની પરીક્ષામાં જોડાશે. મંત્રીએ પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે મુજબ તંત્રને વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. જેમાં ખાસ કરીને પરીક્ષા સ્થળો અને પરીક્ષા ખંડો સેનેટાઈઝ થાય, પરીક્ષા સ્થળો ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ નિકાસ દરમ્યાન તથા પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થામાં પણ સામાજિક અંતર જળવાય, કોઈપણ જાતની ભીડ ન થાય, પરીક્ષા સ્થળો ઉપર વિદ્યાર્થીઓને જો જરૂર હોય તો વધારાના માસ્ક મળી રહે અને થર્મલ ગન વડે તમામ વિદ્યાર્થીઓના શરીરનું તાપમાન માપીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવે. તદઉપરાંત સેશન પુરૂ થાય ત્યાર બાદ તરત જ બેઠક વ્યવસ્થાનું સેનીટાઈઝેશન થાય તે પ્રકારે તમામ વ્યવસ્થા ગોઠવવા મંત્રીએ વહીવટીતંત્રને સૂચના આપી હતી.
Recent Comments