(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર, તા.૯

ગત માર્ચ માસમાં વિધાનસભાનું બજેટ સત્ર કોરોના મહામારીને લઈ મોકૂફ રહ્યા બાદ હવે કોરોનાની જ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિધાનસભાનું ચોમાસું સત્ર તા.ર૧ સપ્ટેમ્બરે યોજાવવા જઈ રહ્યું છે. કોરોનાને લઈ યોગ્ય સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતની ગાઈડલાઈનના અમલ સાથે યોજાનાર આ સત્રમાં ગુજરાત સરકાર ગુંડા ધારા, લેન્ડ ગ્રેબીંગ એક્ટ, પાસામાં સુધારો સહિત કેટલાક અગત્યના વિધેયકો રજૂ કરનાર છે. જો કે, આ સત્રમાં પ્રશ્નોત્તરી કામ નહીં યોજવાનો નિર્ણય લેવાયો હોઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરાય તેમ જણાય છે.

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ચૌદમી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી તા. ૨૧ સપ્ટેમ્બરે શરૂ થઈ પાંચ દિવસ સુધી ચાલશે.

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની મીડિયાને માહિતી આપતા મંત્રીએ ઉમેર્યું કે, તા. ૨૧મીએ વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન સંદર્ભે શોક પ્રસ્તાવ રજૂ કર્યા બાદ ગૃહ મોકુફ રખાશે અને ત્યારબાદ તે જ દિવસે બીજી બેઠકમાં ગૃહની આગળની કાર્યવાહી હાથ ધરાશે.

આ વિધાનસભાનું સત્ર ઐતિહાસિક બની રહેશે કેમકે, નાગરિકોના હિત-સલામતી માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણય કર્યા છે. જેના વિધેયક અને સુધારાઓ ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ અગત્યના વિધેયકોને પસાર કરી કાયદાનું રૂપ અપાશે.

તેમણે ઉમેર્યું કે, આ કોરોના કાળમાં રાજ્ય સરકારના ઉચ્ચ સનદી અધિકારીઓને વિવિધ જિલ્લાઓની સંકલન કામગીરી સોપવામાં આવી છે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ કોરોનાની કામગીરીમાં સંકળાયેલ હોઈ, પ્રશ્નોત્તરીકાળ ન રાખવા વિધાનસભાના અધ્યક્ષને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરાઈ હતી. જેને અધ્યક્ષે માન્ય રાખીને પ્રશ્નોત્તરીકાળ રદ કરવાનો પણ નિર્ણય કર્યો છે. એટલે હવે પાંચ દિવસના આ સત્રમાં પ્રશ્નોત્તરીકાળ રહેશે નહીં પરંતુ અગત્યની કે તાકીદની કોઈ બાબત હોય તો તે સંદર્ભે અધ્યક્ષ દ્વારા ટૂંકી મુદ્દતના પ્રશ્નો સમાવેશ કરવાનો પણ નિર્ણય કરાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

કોરોનાનું સંક્રમણ અટકે અને વધુ ન ફેલાય તે માટે સત્ર દરમિયાન મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, તમામ ધારાસભ્યો, અધિકારીઓ, વિધાનસભાનો તમામ સ્ટાફ, મીડિયાના મિત્રો તથા સેવકોના કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ જ વિધાનસભામાં પ્રવેશ આપવાનો અધ્યક્ષ દ્વારા નિર્ણય કરાયો છે.