(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧ર
ગુજરાત સરકાર કોરોનાની મહામારી વચ્ચે પોતાના અધિકારી-કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં રાજી કરવા વિવિધ નિર્ણયો લઈ રહી છે. અગાઉ મોંઘવારી ભથ્થા અંગે તથા બોનસ અંગે જાહેરાત કરાયા બાદ આજે રાજ્ય સરકારે સરકારના તમામ અધિકારી-કર્મચારીઓને રૂા.૧૦ હજાર ફેસ્ટિવલ એડવાન્સ આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને દીપાવલી ભેટરૂપે તહેવાર પેશગી આપવાનો ઉદાત્ત નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી નૂતનવર્ષ તહેવારોના અવસરે ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે મળશે.
રાજ્ય સરકારે આ હેતુસર અંદાજે રૂા.પ૦૦ કરોડની નાણાં જોગવાઈ કરી છે.
ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.
અધિકારીઓ-કર્મચારીઓને મળનારી આ પેશગી રાજ્ય સરકાર દ્વારા વગર વ્યાજે ૧૦ માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે.
મુખ્યમંત્રી રૂપાણીના આ નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજવસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે તેના પરિણામે નાના વ્યાપારીઓના વ્યવસાય રોજગારને પણ વેગ મળશે. આ મામલે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિનસરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓના વર્ગ-૪ના કુલ ૩૦,૯૬૦ કર્મચારીઓને લાભ મળશે.
Recent Comments