સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૦ની શરૂઆતથી જ કોરોનાની મહામારીએ લોકોને બાનમાં લઈ લીધા હતા. કરોડો લોકો કોરોના જેવા જીવલેણ રોગનો શિકાર બન્યા તો લાખો લોકો મોતને ભેટ્યા છે. જ્યારે લોકડાઉનના કારણે લાખો લોકોએ નોકરી ગુમાવી પડી તો કરોડો લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા હતા. હજી પણ વિશ્વભરમાં કોરોનાના નવા-નવા સ્ટ્રેન દેખા દેતા, તેમજ કોરોનાથી સાજા થયેલા લોકોમાં અન્ય લક્ષણો પણ જણાતા દહેશતનો માહોલ ફેલાયેલો જ છે. હવે ૨૦૨૦નું વર્ષ વિદાય લઈ ચૂક્યું છે, તેમજ વર્ષ ૨૦૨૧નું આગમન થઈ રહ્યું છે, ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે, નવું વર્ષ સુખરૂપ પસાર થાય. આ વખતે ૩૧ ડિસેમ્બરની ઉજવણી પણ ખૂબ જ ફીક્કી રહી હતી. દરમિયાન કેટલાક યુવાનોએ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી અનોખી રીતે સંદેશો પાઠવ્યો હતો. જેમાં ૨૦૨૧ લખેલા થર્મોકોલના કટઆઉટમાં શૂન્યની જગ્યાએ માસ્ક અને એકની જગ્યાએ ઇન્જેક્શન દર્શાવ્યું છે. જે સૂચવે છે કે, વિદાય લેતું વર્ષ માસ્ક સાથે વિત્યું જ્યારે નવું વર્ષ રસીનું આગમન લાવનાર હોવાથી કોરોનાની દહેશત ઓછી થશે, તેવી આશા વ્યક્ત કરી છે.