કરકસરના પગલાંરૂપે અગાઉ કેલેન્ડર-ડાયરી કરવા પર મનાઈ ફરમાવાઈ હતી

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૭
કોરોના મહામારીને કારણે છેલ્લા છ માસ કરતા વધુ સમયથી રાજ્ય સરકારની આવકને ફટકો પડતાં તિજોરીને અસર થવા પામી છે. જેને લઈને રાજ્ય સરકાર કરકસરના પગલાઓ લઈ રહી છે અને વધારાના ખર્ચાઓ પર કાપ મૂકવા સહિતના નિર્ણયો લઈ રહી છે. રાજ્ય સરકારે અગાઉ વાર્ષિક કેલેન્ડર-ડાયરી વગેરે છપાવવા માટે સરકારના તમામ વિભાગોને પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે.
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગ્રીટિંગ્સ કાર્ડ લખવાની પરંપરા ચાલતી આવી છે અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, જાહેર સાહસો વગેરે તરફથી ગ્રીટિંગ્સ કાર્ડ છપાવી મોકલવામાં આવતા હોય છે. દરમ્યાન કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિને કારણે ઊભી થયેલી અતિ ગંભીર પરિસ્થિતિ અને વાયરસને નિયંત્રણમાં લાવવાના હેતુસર જાહેર કરવામાં આવેલ પ્રતિબંધોના કારણે સરકારી ખર્ચમાં કરકસર કરવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ કરકસરના પગલાના ભાગરૂપે જ સરકારી ખર્ચે દિવાળી-નૂતન વર્ષાભિનંદનના ગ્રીટિંગ્સ કાર્ડ છપાવવા સામે પ્રતિબંધ ફટકારવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા આ અંગે જારી કરાયેલ પરિપત્રમાં સરકારના તમામ વિભાગો, કંપનીઓ સ્વાયત્ત સંસ્થાઓ, સરકારી યુનિવર્સિટીઓ, સ્વરાજ્ય સંસ્થાઓ (પંચાયત-પાલિકાઓ) તથા ગ્રાન્ટ લેતી તમામ સંસ્થાઓને નિર્દેશો જારી કરી ગ્રીટિંગ્સ કાર્ડ છપાવવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની તિજોરી પર કોવિડને લીધે થયેલી ગંભીર અસરને કારણે કરકસર કરવી પડી રહી હોઈ દિવાળીમાં વધુ ખર્ચ ના થાય તેને લઈ સરકાર દ્વારા આ નિર્દેશો જારી કરવામાંં આવ્યા છે.