અમદાવાદ, તા.ર૪

રાજ્યમાં  કોરોનાનો કહેર હજુ ઘટ્યો નથી. માત્ર નવા કેસોના આંકડા જ વધી અને ઘટી રહ્યા છે. પરંતુ કોરોનાની રફતાર તો એ જ છે. એટલે કોરોનાની રફતાર ઉપર બ્રેક લગાવવા પ્રજાએ સાવચેત બની માસ્ક પહેરવા સહિતની તકેદારી રાખવી પડશે. રાજ્યમાં આજે વધુ ૧૦ર૧ નવા કેસ નોંધાયા છે. તેથી વધુ ૬ દર્દી કોરોના  સામેનો જંગ હારી ગયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી વધુ ૧૦૩૧ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા ૨ દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની ૧૧૦૦થી વધુ હતી ત્યારે આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં ૧૦૨૧ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૬૬,૨૫૪એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૬ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૬૮૨એ પહોંચ્યો છે. જ્યારે ૧૦૧૩ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૯.૩૭ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૨,૯૮૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં ૫૬,૯૧,૩૭૨ ટેસ્ટ  કરાયા છે.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન ૧૬૮, અમદાવાદ કોર્પોરેશન ૧૬૪, વડોદરા કોર્પોરેશન ૭૫, સુરત ૬૯, રાજકોટ કોર્પોરેશન ૬૭, વડોદરા ૪૨, રાજકોટ ૩૬, જામનગર કોર્પોરેશન ૩૫, મહેસાણા ૨૯, સાબરકાંઠા ૨૬, સુરેન્દ્રનગર ૨૨, બનાસકાંઠા ૨૦, અમરેલી ૧૯, ભરૂચ ૧૮, ગાંધીનગર કોર્પોરેશન ૧૬, મોરબી ૧૫, પંચમહાલ ૧૫, ગાંધીનગર ૧૪, પાટણ ૧૪, અમદાવાદ ૧૩, કચ્છ ૧૩, જામનગર ૧૧, આણંદ ૧૦, ગીર સોમનાથ ૧૦, ખેડા ૧૦, નર્મદા ૧૦, ભાવનગર કોર્પોરેશન ૯, દાહોદ ૯, જુનાગઢ ૯, જુનાગઢ કોર્પોરેશન ૯, છોટા ઉદેપુર ૮, ભાવનગર ૬, દેવભૂમિ દ્વારકા ૬, મહીસાગર ૫, અરવલ્લી ૪, બોટાદ ૪, નવસારી ૩, પોરબંદર ૩, તાપી ૩, ડાંગ ૧, વલસાડ ૧ કેસ સામે આવ્યા છે. જો કે મોતની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન ૨, સુરત કોર્પોરેશન ૨, ગાંધીનગર ૧, સુરત ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે કુલ ૬ લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૬૮૨એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૮,૮૫૮ નાગરીકો સાજા થઈ ગયા છે.  જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૩,૯૮૭ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૭૧ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૩,૯૧૬ સ્ટેબલ છે.