(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧પ
કોરોનાના કપરાકાળમાં લોકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. ત્યારે જેમ-તેમ કરીને ઘરનું અર્થતંત્ર પાટે લાવવા લોકો પ્રયાસ કરી રહ્યા છે તેવામાં ઓનલાઈન ગઠિયાઓ પડતા પર પાટું મારી રહ્યા છે. અમદાવાદ શહેરમાં લોકડાઉન ખૂલ્યા બાદ ઓનલાઈન ચીટિંગની ફરિયાદોમાં સતત વધારો થયો છે. ત્યારે શહેરમાં વધુ પાંચ ઓનલાઈન ચીટિંગની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે અમદાવાદીઓ સહિત તમામ નાગરિકો સાયબર ક્રાઈમનો ભોગ ના બને તે માટે જાગૃત બનવું પડશે. બેદરકારી કે લલચામણી ઓફરોમાં ભોળવાઈ જનારા નાગરિકો છેવટે સાયબર ક્રાઈમનો ભોગ બને છે. એટલે કોરોનાની સાથે-સાથે ઓનલાઈન છેતરપિંડીના ‘સંક્રમણ’માં વધારો થયો છે જેને કાબૂમાં લેવો ખૂબ જરૂરી બની ગયો છે. અમદાવાદમાં એક જ દિવસમાં ઓનલાઈન ચીટિંગની પાંચ ફરિયાદો નોંધાઈ છે જેની વિગતવાર વાત કરીએ તો બાપુનગરમાં રહેતા ભારતીબહેન પટેલના પતિ તા.રર જૂનના રોજ મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ તા.૧૦ જુલાઈએ તેમના પતિના મોબાઈલ નંબર ઉપર બેંક ઓફ બરોડામાંથી બોલું છું કહી તેમનું એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયું હોવાનું કહ્યું હતું, જેથી ભારતીબેન વિશ્વાસમાં આવી જતા તેમના પતિના એટીએમનો કાર્ડ નંબર તથા સીવીવી નંબર અને ઓટીપી નંબર ફોન કરનારા ગઠિયાને આપી દીધું હતું જેને પગલે તેમના પતિના ખાતામાંથી રૂા.ર૦ હજાર બારોબાર ઉપડી જતાં તેમણે બાપુનગર પોલીસ સ્ટેશને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા બનાવની વાત કરીએ તો બાપુનગરમાં રહેતા વરૂણસિંહ રાઠોડ નામના યુવકને ગૂગલ-પે હેલ્પલાઈનના રાહુલસિંગ નામના શખ્સે એક એકાઉન્ટ નંબર આપી તેમાં આઈએફસી કોડ નંખાવી તેના ગૂગલ પે ખાતામાંથી રૂા.૧૪,૭૦૦ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેવી જ રીતે ત્રીજા બનાવમાં બાપુનગરમાં રહેતા લચ્છુબહેન આહિર નામની યુવતીને ફોન કરીને નસરૂલ નામના શખ્સે ક્રેડિટ કાર્ડ કંપનીમાંથી વાત કરતો હોવાનું જણાવી તેમના ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી રૂા.૪૦૭૮ની ચીટિંગ કરી હતી. જ્યારે ચોથા બનાવમાં સાબરમતીમાં રહેતા હિતેશ કસારાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે કે, તેમના મોબાઈલ નંબર ઉપર નવા નંબરથી મેસેજ કરીને કેવાયસી અપલોડ કરવાનું કહીને એક લીંક મોકલી હતી. લીંક ખોલતા જ ઈન્ટરનેટના માધ્યમથી હિતેશ કંસારાના સિટી બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂા.૧ લાખ નીયરબાય ડોટકોમ નામની વેબસાઈટમાં ટ્રાન્જેક્શન કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. જે અંગે સાબરમતી પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે પાંચમાં બનાવમાં બાપુનગરમાં રહેતા અજયસિંહ રાજપૂતને અંકિત શર્મા નામના શખ્સે ગૂગલ-પેમાંથી બોલું છું કહી કેવાયસી કરાવો નહિંતર તમારૂ એકાઉન્ટ બંધ થઈ જશે જણાવ્યું હતું, આમ કેવાયસીના નામે અજયસિંહને વિશ્વાસમાં લઈને તેમનો ક્રેડિટ કાર્ડ નંબર તથા સીવીવી નંબર મેળવી લઈ ગઠિયાએ ક્રેડિટ કાર્ડમાંથી રૂા.૧૬,પ૩૦ બારોબાર ખરીદી કરી ચીટિંગ આચરી હતી. જે અંગે બાપુનગર પોલીસના ચોપડે ફરિયાદ નોંધાઈ છે.