(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૯
કોરોનાના સંક્રમણને રોકવા માટે નાગરિકો અવરજવર ઓછી કરે અને કામ વગર ઘરની બહાર ન નીકળે તથા એકબીજા સાથેનો સંપર્ક પણ ઓછો કરે તે જરૂરી છે અગાઉ કહ્યું છે કે, ટુ વ્હીલર ઉપર એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં બેથી વધુ વ્યક્તિ મુસાફરી કરતા હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી હાથ ધરાશે. સંક્રમિત વિસ્તારોમાં વધુ તકેદારી રાખવા માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જ્યાં સંક્રમણ વધુ છે તેવા ગ્રીન ઝોન વાળા વિસ્તારમાં સંક્રમણ ન ફેલાય તે માટે નાગરિકો જાગૃત બનીને લૉકડાઉનનો ચુસ્ત અમલ કરી ઘરમાં જ રહી તકેદારી રાખે તે જરૂરી છે. એમ રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિની વિગતો આપતા રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું છે. વધુમાં રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ હતું કે, કોરોના વાયરસના સંક્રમણની બચવું હોય તો નાગરિકો યોગ્ય સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાની આદત પાડીને જીવનનો એક ભાગ બનાવે તે અત્યંત જરૂરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ નાગરિકોને આ ખાસ સૂચન કરાયું છે. લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોવાના બનાવોની ૧૦૦ નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. ગઈકાલે ૧૦૦ નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં ૪૩ ગુના દાખલ કરાયા છે. ડીજીપી ઝાએ ઉમેર્યું કે, જ્યાં સંક્રમણ વધુ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે લૉકડાઉન દરમિયાન આપેલી છૂટછાટ રદ કરી શકાય છે તે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલી છૂટછાટો રદ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના ચુસ્ત અમલ માટે એસઆરપીની એક કંપની ફાળવવામાં આવી છે.
પોલીસ પર થયેલા હુમલા અંગે વિગતો આપતા ઝાએ કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ ૨૫ એપ્રિલના રોજ જીઆરડી જવાન ઉપર થયેલા હુમલા સંદર્ભે બે આરોપીઓ સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે.