(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રર
રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે ઉછાળારૂપ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સુરતને કોરોનાએ હોટસ્પોટ બનાવ્યા બાદ હવે રાજ્યના અન્ય પાંચ-છ જિલ્લાઓમાં પણ કોરોનાના કેસો વધુ પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. રાજ્યમાં રોજના કેસોનો આંક દિવસે દિવસે ઉછાળારૂપ વધીને હવે ૧૦૦૦ને પાર થઈ જવા પામ્યો છે. ગત રોજ બાદ આજે પણ રાજ્યભરમાં કોરોનાના નવા ૧૦ર૦ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. જેમાં છેલ્લા પંદરેક દિવસથી નં.૧ બનેલ સુરત કેસોમાં સૌથી આગળ રહેતા રપ૬ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં ઘટાડો જારી રહેવા પામેલ છે. બીજી તરફ રાજ્યમાં વચ્ચે થોડાક દિવસ મૃત્યુનું પ્રમાણ ઘટ્યા બાદ ફરીવાર બે-ત્રણ દિવસથી મૃત્યુના પ્રમાણમાં વધારો થવા પામ્યો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનામાં વધુ ર૮ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં સુધારો જારી રહેતાં વધુ ૮૩૭ દર્દીઓ ર૪ કલાકમાં સાજા થવામાં સફળ રહ્યા છે. કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. રાજ્યમાં ગઇ કાલે ૧૦૦૦થી વધુ કોરોના કેસ નોંધાયા હતા ત્યાં જ આજે પણ રાજ્યમાં કોરાનાનાં ૧૦૨૦ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં બુધવારે ૧૦૨૦ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૫૧,૪૮૫એ પહોંચી છે. વિતેલા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરત શહેર અને જિલ્લામાં જ ૪૦૦થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ ૨૮ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૨૨૨૯એ પહોંચ્યો છે. આવનારા સમયમાં નાગરીકો દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સ અને માસ્કના નિયમોનો ચૂસ્ત અમલ ન થાય તો આ મહમારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે તેમ જણાય છે. અમદાવાદ અને સુરતમાં ફરી એકવાર ચેપનો ફેલાવો વધી રહ્યો છે. સુરત કોપોરેશન ૨૦૧, અમદાવાદ કોપોરેશન ૧૮૧, વડોદરા કોપોરેશન ૬૨, સુરત ૫૫, રાજકોટ કોપોરેશન ૪૩, ભરૂચ ૨૭, દાહોદ ૨૭, મહેસાણા ૨૪, ભાવનગર કોપોરેશન ૨૨, ગીર સોમનાથ ૨૧, કચ્છ ૨૧, ગાંધીનગર ૨૦, જુનાગઢ કોપોરેશન ૨૦, સુરેન્દ્રનગર ૨૦, બનાસકાંઠા ૧૯, પાટણ ૧૯, મહીસાગર ૧૮, વડોદરા ૧૮, અમરેલી ૧૬, ભાવનગર ૧૬, નવસારી ૧૬, અમદાવાદ ૧૫, ખેડા ૧૪, નર્મદા ૧૪, જામનગર કોપોરેશન ૧૨, રાજકોટ ૧૨, ગાંધીનગર કોપોરેશન ૧૧, જૂનાગઢ ૧૦ તેમજ અન્ય જિલ્લામાં કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૧૯ દર્દીઓના મત્યુ થયાની પૃષ્ટી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ કોપોરેશન ૩, બોટાદ ૧, દાહોદ ૧, જુનાગઢ ૧, જુનાગઢ કોપોરેશન ૧, મહેસાણા ૧, વડોદરા કોપોરેશન ૧ વ્યક્તિ મરણ પામી છે, આમ વિતેલા ૨૪ કલાકમાં કુલ ૨૮ લોકોના મોત નિપજ્યા છે. અમદાવાદમાં કુલ ૧પ૬૧ મોતને ભેટ્યા છે. ગુજરાતમાં કોરોના કહેરના ૧૨૬માં દિવસે કુલ ૩૭,૨૪૦ નાગરીકો સાજા થઈ ગયા છે. ૨૨૨૯ના અવસાન થયા છે. જ્યારે બુધવાર સાંજની છેલ્લી સ્થિતિ મુજબ ૧૨,૦૧૬ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૭૮ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૧,૯૩૮ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર દર્શાવવામાં આવી રહી છે.