બે દિવસમાં હાજર નહીં થાય તો કડક કાર્યવાહી કરવાની ચીમકી

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૦
રાજ્યમાં કોરોનાના કેસોમાં વિસ્ફોટક પ્રમાણમાં ઉછાળો નોંધાતા સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. દિવાળીના તહેવારોમાં કોરોનાને ભૂલવાનું અને છૂટછાટ આપવાનું ભારે પડી ગયું હોય તેમ સ્થિતિ બેકાબૂ બની રહી હોય તેમ જણાય છે. ત્યારે રાજ્ય સરકારે હવે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા રાજ્યના કરાર કરનારા સ્મ્મ્જી ડૉક્ટરોને બે દિવસમાં હાજર થવા માટે આદેશ જારી કર્યો છે. આવા બોન્ડ કરનારા ૯રપ સ્મ્મ્જી ડૉક્ટરોને તાત્કાલિક હાજર થવા જણાવવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. અમદાવાદમાં ૫૭ કલાકનો રાત્રી કરફ્યુ લાગુ કરાયો છે. ત્યારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ૯૨૫ બોન્ડ કરનારા બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી (સ્મ્મ્જી) ડૉક્ટરોને હાજર થવાનો આદેશ કર્યો છે. હાજર ન થનાર ડૉક્ટરો સામે એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપીને હુકમ કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિને નાથવા ડૉક્ટરની મોટાપાયે જરૂરિયાત ઊભી થઈ છે. બીજી તરફ ૧૧ માસના કરાર પર નિમણૂક પામેલા ડૉક્ટરો હજુ ફરજ પર હાજર નથી થયા ત્યારે રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાંથી હાલના વર્ષે ગ્રેજ્યુએટની પરીક્ષા પાસ કરનારા ડૉક્ટરોને કરાર આધારિત સર્વિસનો લાભ આપીને હોસ્પિટલમાં સેવાઓ લેવાની છે. છેલ્લા ૮ મહિનાથી સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરો સેવા આપી રહ્યા છે. કોવિડ- ૧૯ સંક્રમણને કારણે તાત્કાલિક ડૉક્ટરોની જરૂરિયાત છે. ત્યારે લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે કરાર આધારિત ડૉક્ટરોને હાજર થવા આદેશ કરાયો છે. કોવિડ-૧૯ની ગંભીર પરિસ્થિતિ વચ્ચે લોકોને હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આદેશ કરીને કરાર કરનાર સ્મ્મ્જી ડૉક્ટરો તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે. એપેડેમિક એક્ટ ૧૯૯૭ની જોગવાઈ અનુસાર સત્તાની રૂએ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આદેશ કર્યો છે. તમામ કરાર આધારિત ડૉક્ટરોને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ બે દિવસમાં હાજર થવા જણાવાયું છે. આદેશનું પાલન ન કરનારના કરાર આધારિત ડૉક્ટરોને એપેડેમિક એક્ટની જોગવાઈ મુજબ જે તે જિલ્લાના કલેક્ટરને કાર્યવાહી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ હાજર કરવા કહેવાયું છે. રાજ્યમાં સૌથી વધુ આદિવાસી જિલ્લા એવા દાહોદ અને છોટાઉદેપુરમાં ડૉક્ટરો હાજર થયા નથી. દાહોદમાં રપ૩ અને છોટાઉદેપુરમાં ૧૬૮ ડૉક્ટરો હાજર થયા નથી, તે પછી નર્મદા જિલ્લામાં ૧૦૧ અને વલસાડ-બનાસકાંઠામાં ૩૩-૩૩ ડૉક્ટરો તથા ડાંગમાં ૩૦, પંચમહાલમાં ૩૧ ડૉક્ટરો ફરજ પર હાજર થયા નથી.