એક સમયે મક્કામાં મસ્જિદ અલ-હરમમાં ૩૦ ટકા ક્ષમતામાં ઝાયરીનોને પ્રવેશ અપાશે, શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકો માટે ખાસ ક્વોરન્ટાઈન સેન્ટરો ઊભા કરાયા, ૪ ઓક્ટોબર પછી તબક્કાવાર છૂટછાટ અપાશે

(એજન્સી) રિયાધ, તા. ૩૦
કોરોના વાયરસને કારણે પવિત્ર મક્કામાં છ મહિના સુધી ઉમરાહ પર રોક લગાવાઇ હતી જ્યારે હવે સઉદી અરબે ઉમરાહની યાત્રા માટે નવા નિયમો જારી કર્યા છે. અહેવાલો અનુસાર કોરોના વાયરસ નિયમોના ભાગરૂપે પવિત્ર કાબા શરીફની આસપાસ બેરિકેડ રાખવામાં આવશે અને હઝરે અસ્વદ તેના સ્થાને જ રહેશે ઉપરાંત ઝાયરીનોને આ સ્થળોને સ્પર્શવાની પરવાનગી અપાશે નહીં. સમાચાર એજન્સી અનુસાર જ્યાં પવિત્ર કાબા શરીફ આવેલ છે ત્યાંની મસ્જિદ અલ-હરમને દિવસમાં ૧૦ વખત ડિસઇન્ફેક્ટ કરાશે. ઉપરાંત જે ઝાયરીનોને કોરોનાના લક્ષણોની શંકા લાગશે તેમના માટે ખાસ રીતે ક્વોરન્ટાઈન સેન્ટરો ઊભા કરી દેવાયા છે. સઉદી અરબે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે, આવનારા મહિનાથી શરૂ થનારા ઉમરાહ માટે કોરોના અંગેના પ્રવાસ પ્રતિબંધોને તબક્કાવાર ઉઠાવવામાં આવશે.
આશરે છ મહિનાના આકરા પ્રતિબંધો બાદ પવિત્ર ઉમરાહ માટે જનારા લોકો માટે માર્ગ મોકળો કરવાની તૈયારીઓ કરી દેવાઇ છે. ૪ ઓક્ટોબર પછી સઉદીના લોકો અને વિદેશી લોકોને મસ્જિદ અલ-હરમમાં ઉમરાહ કરવાની પરવાનગી અપાશે. એક વખતમાં મસ્જિદમાં કુલ ક્ષમતાના ૩૦ ટકા લોકો એટલે કે, ૬,૦૦૦ લોકોને પ્રવેશ અપાશે. દરમિયાન ૧૮ ઓક્ટોબર સુધી સઉદી શાસન મસ્જિદે નબવી એટલે કે મદિનામાં પયગમ્બર હઝરત મુહમ્મદ(સ.અ.વ.)ના પવિત્ર મઝાર અને મસ્જિદમાં ૧૫,૦૦૦ ઉમરાહ યાત્રાળુઓને દિવસ દરમિયાન પ્રવેશ આપવાની જાહેરાત કરશે. સમાચાર એજન્સી અનુસાર ૧લી નવેમ્બરથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઝાયરીનો માટે ઉમરાહ તથા ઇબાદતની પરવાનગી આપી દેવાશે. આ દરમિયાન મસ્જિદ અલ-હરમ અને મસ્જિદે નબવીમાં સંપૂર્ણ ક્ષમતા સાથે લોકોને પ્રવેશ આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પણ કોરોના વાયરસથી બચવા માટેના તમામ પગલાં ઉઠાવાશે. કોરોના વાયરસ રોગચાળાને કારણે ૨૦૨૦ની હજ યાત્રા એકદમ મર્યાદિત સંખ્યામાં કરવામાં આવી હતી જેમાં વિદેશી લોકોને પ્રવેશની પરવાનગી અપાઇ ન હતી. ઉલ્લેખનીય છે કે, ઉમરાહની યાત્રા વર્ષ દરમિયાન કોઇપણ સમયે થઇ શકે છે.