(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ, તા.ર૬

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારથી પાણી, સાબુ અને હેન્ડ સેનિટાઈઝરનો વપરાશ ખૂબ વધી ગયો છે. અમદાવાદની જ વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરા પડાતા પાણીના વપરાશમાં ૧પ ટકાનો વધારો થયો છે. કારણ કે કોરોના વાયરસથી બચવા મોટાભાગના લોકો બેવાર સ્નાન કરે છે અને વારંવાર હાથ-મોઢું વગેરે ધોતા હોવાથી પાણીનો વપરાશ વધ્યો હોવાનું મ્યુનિસિપલ સૂત્રો જણાવી રહ્યા છે. કોરોના વાયરસથી બચવા માટે વ્યક્તિએ હાઈજેનિક રહેવું અને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચેપથી બચવા માટે લોકો વારંવાર હાથ ધોઈને પોતાને સ્વચ્છ રાખતા હોય છે. બહારથી આવતા લોકો પોતાને સેનિટાઈઝ કરે છે અથવા સ્નાન કરે છે. ત્યારે ઉનાળા દરમિયાન જ્યારે લોકડાઉન ચાલતું હતું ત્યારે અમદાવાદ મ્યુનિસિપિલ દ્વારા પુરા પડાતા પાણીનો વપરાશ દિવસમાં આશરે ૧૩૯૮ મિલિયન લિટર રહ્યો હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ૨.૬ લાખ પરપ્રાંતિય કામદારોના સામૂહિક સ્થળાંતર અને ૪.૭૫ લાખ વ્યવસાયિક મિલકતોમાં કામગીરી સ્થગિત હોવા છતાં પાણીની માંગમાં ઘટાડો થયો નથી. બંધ શાળાઓ અને ૬૮૦ ઔદ્યોગિક એકમો પણ શહેરમાં મ્યુનિસિપલ પાણીના વપરાશને ઘટાડી શક્યા નથી. મ્યુનિ. અધિકારીઓનું માનવું છે કે, આ પાછળનું કારણ કોવિડ-૧૯ રોગચાળા દ્વારા જરૂરી વધારાની સ્વચ્છતાની નિયમિતતા છે. અમદાવાદીઓ હવે વધુ વખત સ્નાન અને હાથ ધોતા થયા છે. મ્યુનિ. પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ રશ્મિ શાહ કહે છે કે, જો કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ સોર્સિસની ટકાવારી ગણતરીમાં લેવામાં આવે તો મ્યુનિસિપલ પાણીનો વપરાશ ૧૫ ટકા વધ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દાવો કરે છે કે માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન ૬૯૧ સ્લમ અને ચાલી વિસ્તારોમાં લગભગ ૩૫ ટકા વસતી ખાલી હતી. છતાંય શહેરનો પાણી વપરાશ ઓછો થયો નથી. રશ્મિ શાહે કહ્યું, ’અમે જોયું છે કે સરેરાશ અમદાવાદી દિવસમાં ઓછામાં ઓછા બે વાર સ્નાન કરે છે. પાલિકાના પાણીનો એકંદર વપરાશ ૧,૩૯૮ સ્ન્ડ્ઢથી ઓછો થયો નથી, જે ઉનાળા દરમિયાન પીક વપરાશ છે. ચોમાસા દરમિયાન રહેણાંક વપરાશમાં સામાન્ય રીતે ૧૦ ટકાનો ઘટાડો જોવા મળે છે, જે આ વખતે થયો નથી.’ પાણી વિભાગના અધિકારીઓ કહે છે કે દિવાળી સુધીમાં ૩૦૦ એમએલડી દ્વારા પાણીની ઉપલબ્ધતા વધારવા માટે નવો વોટર પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. ’ઝુંપડપટ્ટીમાં પણ લોકો દ્વારા અપનાવવામાં આવેલી કડક સ્વચ્છતા પ્રથાના કારણે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પાણીનો વપરાશ ૧.૨ ગણો વધવાની ગણતરી છે.સૂત્રો મ્યુનિ.ના દાવો કરે છે કે શહેરના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભાગોમાં ભૂગર્ભ જળ ઉતારો વધારે હોવાથી ગટરના પાણીના પ્રવાહનો એકંદર જથ્થો મ્યુનિસિપલ પાણીના વપરાશ કરતા ઘણો વધારે છે.