તા.૨ર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા-સાંસદ અહમદભાઈ પટેલે બે દિવસ બાદ શરૂ થનાર પવિત્ર રમઝાન માસ દરમ્યાન કોરોના વાયરસને ધ્યાનમાં લઈ પોતાના ઘરમાં જ ઉપવાસ અને નમાઝ અદા કરી સરકારના આદેશ અનુસાર લોકડાઉનનો અમલ કરવા મુસ્લિમ બિરાદરોને અપીલ કરી છે. પટેલે પોતાની અપીલ અનુસરવાની વિનંતી સાથે મુહમ્મદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ની કેટલીક હદીસ પણ ટાંકી છે જેમાં રોગચાળાના સમયગાળા દરમ્યાન શું કરવું જોઈએ તેની સમજ આપવામાં આવી છે. પટેલે સરકાર પાસેથી પણ એવી આશા સેવી છે કે લોકડાઉનનો અમલ કરી ઘરમાં જ રહી ઉપવાસ તથા નમાઝ અદા કરનાર મુસ્લિમ પરિવારોની જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી પગલાં લેવાશે.
અહમદભાઈ પટેલે નીચે મુજબની હદીસોને ટાંકી રમઝાન માસ દરમ્યાન લોકડાઉનનો અમલ કરવા વિનંતી કરી છે : કોવિડ-૧૯ જેવા રોગો બાબતે પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ની હદીસ
(૧) ‘ક્વોરન્ટાઇન’ : પયગમ્બર (સ.અ.વ.)નું ફરમાન છે –
‘‘એવા કુષ્ઠ રોગ (ચેપી રોગથી સંક્રમિત કોઈ વ્યક્તિ)થી એવી રીતે દૂર ભાગો જેમ તમે સિંહથી દૂર ભાગતા હોવ’’
(બુખારી શરીફ ભાગ-૭, પુસ્તક-૭૧)
(૨) ‘સોશિયલ ડિસ્ટન્સીંગ’ : પયગમ્બર (સ.અ.વ.)નું ફરમાન છે- ‘જે ચેપી રોગથી સંક્રમિત છે તેને સ્વસ્થ લોકોથી દૂર રાખવો જોઈએ’ (બુખારી શરીફ અને મુસ્લિમ શરીફ)
(૩) ‘મુસાફરી પર પ્રતિબંધ’ : પયગમ્બર (સ.અ.વ.)નો ઉપદેશ છે – ‘‘એવી જમીન (જગ્યા)માં ન પ્રવેશો જ્યાં પ્લેગ (જેવો ચેપી રોગ) ફાટી નીકળ્યો હોય; જે જગ્યાએ આ રોગ ફાટી નીકળ્યો હોય તે જગ્યાએથી અન્યત્ર ન જાવ.”
(બુખારી શરીફ અને મુસ્લિમ શરીફ)
(૪) ‘બીજાને નુકસાન ન પહોંચાડો’ – પયગમ્બર (સ.અ.વ.)નું ફરમાન છે – જો તમારામાં (સંક્રમણના) લક્ષણ હોય તો બીજાને નુકસાન ન પહોંચાડો અથવા બદલામાં નુકસાન ન કરો.’ (સુનન ઇબ્ને માજહ)
(૫) ‘ઘર જ મસ્જિદ છે’ (જો જરૂરી હોય તો)- પયગમ્બર (સ.અ.વ.)એ કહ્યું છે – ‘‘કબ્રસ્તાન અને શૌચાલય સિવાય સમગ્ર પૃથ્વીને મસ્જિદ બનાવાઈ છે” (તિરમીઝી શરીફ)
(૬) ‘એમાં જ ઈલાજ છે’ : ધૈર્ય એ ગુણ છે –
પયગમ્બર (સ.અ.વ.)એ કહ્યું છે : ‘‘એવી કોઈ બીમારી નથી જેને અલ્લાહે ઈલાજ વિના મોકલી હોય’’ (બુખારી શરીફ)
(૭) ‘મોંઢું ઢાંકવું’ એ પયગમ્બર (સ.અ.વ.)નું ફરમાન છે –
‘પયગમ્બર (સ.અ.વ.)ને જ્યારે છીંક આવતી ત્યારે તેઓ પોતાના હાથ કે કપડાંથી મોઢું ઢાંકી લેતાં’
(અબુ દાઉદ, તિરમીઝી શરીફ, સહીહ)
(૮) ‘હાથ ધુવો’ – જ્યારે ઘરમાં પ્રવેશો ત્યારે – પયગમ્બર (સ.અ.વ.)એ કહ્યું છે – ‘સ્વચ્છતા અડધું ઈમાન છે’
(મુસ્લિમ શરીફ)
ઉપરોક્ત હદીસ બોધને ટાંક્યા બાદ અહમદભાઈ પટેલે તમામને તંદુરસ્તી સાથે રમઝાનની મુબારકબાદ પાઠવીને દુઆની વિનંતી કરી છે.