૧૧ વોર્ડમાં આરોગ્યની ૪પ ટીમો કામે લાગી

(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.રર
દિવાળી બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં બીજા રાઉન્ડમાં કોરોનાએ વિસ્ફોટ સર્જી માથું ઊંચકતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને કોરોના મહામારી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે પાટણ શહેરના ૧૧ વોર્ડમાં આરોગ્ય્ની ૪પ ટીમો અને ધન્વતરિ રથો ફરતા કરવામાં આવ્યા છે. આ ટીમો દ્વારા ઘરે ઘરે ફરી શંકાસ્પદ દર્દીઓના એન્ટીજન ટેસ્ટ સાથે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પાટણ શહેરમાં કોરોના સંક્રમણ બીજા રાઉન્ડમાં બેકાબૂ ન બને તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ૪પ સર્વેલન્સ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ટીમમાં આશાવર્કર, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ હેલ્થવર્કર, મેડિકલ ઓફિસર, સુપરવાઈઝર અને લાયઝન અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે જે શહેરના ૧૧ વોર્ડમાં ઘરે ઘરે ફરી શંકાસ્પદ કેસો શોધશે, આ ઉપરાંત ધન્વતરી રથો પણ ફરતાં કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ શહેરમાં આરોગ્ય ખાતા દ્વારા અગાઉ તા.૩૦/૯/ર૦ર૦થી કોરોના સંક્રમણ અટકાવવા રેપીડ એન્ટીજન ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં ઘરે ઘરે ફરી ર૧,૭૪પ વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે કોરોનાએ ફરી માથું ઊંચકતા ટેસ્ટ સેમ્પલ લેવાની કામગીરી વધુ તેજ કરવામાં આવી છે.