(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.ર૮
પાટણના કોરોના પોઝિટિવ વૃદ્ધનું આજે સવારે સારવાર દરમિયાન મોત થયું હતું. તો કોરોનાને માત આપી સ્વસ્થ બનતા ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલ પાટણના બુકડી વિસ્તારમાં રહેતી વૃદ્ધાનું પણ રાત્રી દરમ્યાન આશ્ચર્યજનક રીતે મોત નિપજ્યું હતું.
પાટણ જિલ્લાના કોરોનાગ્રસ્ત નવ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતા બુધવારે રજા આપવામાં આવી હતી. જેને લઈ જિલ્લાવાસીઓમાં હાશ થઈ હતી. ત્યારે ગુરૂવારની સવાર ચિંતામય બની હતી પાટણના મોટા પનાગરવાડામાં રહેતા કાંતિભાઈ પટેલના ટેસ્ટ સેમ્પલ કોરોના પોઝિટિવ આવતા તેઓને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા જ્યાં આજે સવારે તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં પાટણના બુકડી વિસ્તારના પાંચપાડા રોડ પર રહેતા વૃદ્ધા હસુમતીબેન મોદી કોરોનાગ્રસ્ત બનતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્રણ દિવસ અગાઉ આ વૃદ્ધ મહિલા સ્વસ્થ થયા છે તેમ કહી ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી તેઓને રજા આપી આરોગ્યની ટીમ ઘરે મૂકી ગઈ હતી. રાત્રી દરમિયાન આ વૃદ્ધ મહિલાનું પણ આશ્ચર્યજનક રીતે મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.
પાટણ જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ નોંધાતા કુલ સંખ્યા ૭પ થઈ છે જેમાં ચાણસ્મા તાલુકાના રણાસર ગામનો ૧૭ વર્ષીય કિશોર અમદાવાદથી પરત આવ્યો હતો તેને તાવ અને કફની તકલીફ થતાં ટેસ્ટ સેમ્પલ લેવાતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બીજા કેસમાં પાટણ તાલુકાના કમલિવાડા ગામના ૬૮ વર્ષીય વૃદ્ધ અને હૃદયની તકલીફ હોવાથી અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બાયપાસ સર્જરી પહેલા કોરોનાનો રિપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવ્યો હતો જેથી દર્દીને એપોલોમાંથી પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.