(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૩
રાજ્યના વાહનચાલકો માટે કોરોનાને લઈ લોકડાઉનના કારણે થયેલ સમયમર્યાદાના પ્રશ્નને હલ કરવા સરકારે નિર્ણય કર્યો છે. એટલે કે લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તેઓને છ મહિના માટે ફરી રિન્યુ કરી આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં હાલમાં એવા કેટલાયે લોકો છે જેમને ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાના બાકી છે, પરંતુ જેના લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ નીકળી ગયું છે અને હવે સમય મર્યાદા પૂરી થવામાં છે તો ચિંતા કરવાની જરૂર નથી. હવે સરકારના નિર્ણયથી લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સને રિન્યૂ કરી શકાશે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યના વાહનવ્યવહાર વિભાગ તરફથી આજે એક મોટો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં હવે કોઈ પણ નાગરિકની પાસે લર્નિંગ લાયસન્સ હોય અને તેની અવિધિ પૂરી થવામાં હોય તો હવે સમય મર્યાદા પૂરી થઈ ગયા પછી તેને ફરીથી રિન્યૂ કરી શકાશે. લર્નિંગ લાયસન્સ સમય મર્યાદા પૂર્ણ થઈ હોય તેવા અરજદારો વાહનવ્યવહાર વિભાગની કચેરીમાં રિન્યૂ કરાવી શકશે. કોઈ પણ નાગરિક આરટીઓમાં ૧૫૦ રૂપિયા ભરીને લર્નિંગ લાયસન્સ રિન્યૂ કરાવી ૬ મહિનાની સમય મર્યાદા વધારી શકે છે. ત્યારબાદ પાકા લાયસન્સ માટે ફરીથી ફી ભરવાની રહેશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, લર્નિંગ લાયસન્સ રિન્યૂ કર્યા એક મહિના પછી અને ૬ મહિના પહેલા પાકા લાયસન્સ માટેની એપોઇમેન્ટ લેવાની રહશે. લોકડાઉન દરમિયાન આરટીઓ કચેરી બંધ હતી. જેના કારણે અનેક નાગરિકોના લર્નિંગ લાઈસન્સ પૂરા થવામાં છે. ત્યારે આ નિર્ણય લેવાયો છે. પરંતુ હવે અનલોકમાં રાજ્યભરની આરટીઓ કચેરીઓ ખુલતા એપોઇમેન્ટમાં વેટિંગ હોવાના કારણે સમયસર એપોઇમેન્ટ મળતી નથી. જેથી સરકારે અરજદારોની સુવિધા માટે સમય મર્યાદા વધારી છે.