• ઉત્તરાયણને માંડ એક સપ્તાહ બાકી હોવા છતાં બજારમાં હજી ખરીદી જામી નથી
• એકાદ બે દિવસમાં મોટાપાયે ખરીદી થવાની આશા વ્યક્ત કરતા વેપારીઓ

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૭
નાના બાળકોથી લઇ યુવા, યુવતીઓ, મહિલાઓ સહિત તમામ લોકોમાં પ્રિય એવા ઉત્તરાયણના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં કોરોનાની મહામારીને લીધે સરકારી ગાઇડલાઇનું પાલન કરવાનું હોવાથી પતંગ ચગશે કે કેમ તે અંગે લોકોમાં અસમંજસની પરિસ્થિતિ હોવાથી પતંગ બજાર હજીયે સૂમસામ ભાસી રહ્યા છે. જો કે વેપારીઓને છેલ્લી ઘડીએ ખરીદી ઉઘડવાની આશા હોવાથી પતંગના નવા ઓર્ડર લઇ રહ્યા છે.
ચાલુ વર્ષે કોરોનાની મહામારીના લીધે સરકારી ગાઇડલાઇનનું પાલન કરવાનું હોવાથી બધા ધર્મોના તહેવારોની રોનક ફિક્કી થઈ ગઈ છે. ૨૦૨૦ના માર્ચ મહિનાથી લઈ આખું વર્ષ દરેક તહેવારોની ઉજવણી ખૂબ જ સાદાઈથી કરવામાં આવી હતી. જોકે રાજકીય પક્ષોએ કોરોના મહામારીના સમયમાં પણ ચૂંટણીઓ યોજી, સભાઓ પણ ગજવી અને રેલીઓ પણ કરી કોરોના ફેલાવવામાં મહત્વનું યોગદાન(!) આપ્યું હતું. હવે કોરોનાની ગતિ મંદ પડી છે અને સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે પતંગ રસિયાઓ ઉત્તરાયણની મજા માણવા સજ્જ થઇ રહ્યા છે. ઉત્તરાયણને લઈ હાલ બજારમાં કેવી પરિસ્થિતિ છે તે અંગે જમાલપુર પતંગ બજાર એસોસિએશનના પ્રમુખ અબ્દુલ લતીફભાઈ રંગરેજે જણાવ્યું છે કે ઉતરાયણને માંડ એક સપ્તાહ જેટલો સમય બાકી છે ત્યારે બજારમાં પતંગો બનાવવાનું ૫૦ ટકા કામ પણ થયું નથી. ઉત્તરાયણ મનાવવામાં આવશે કે કેમ.? તે અંગે પ્રજામાં અસમંજસની સ્થિતિ હોવાથી વેપારીઓએ પૂરતો માલ ભરાવ્યો ન હતો. પરિણામે પતંગ બનાવતા કારીગરો પણ નિરાશ થયા છે. આખુ વર્ષ કામ કરતા કેટલાક કારીગરોને હાલ ૨૫ ટકા કામ પણ મળ્યું નથી. આથી તેમના માટે રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. જમાલપુર પતંગ બજારના અન્ય વેપારી યુસુફભાઇના જણાવ્યા મુજબ હાલ શહેરમાં રાત્રી કર્ફ્યુ જારી હોવાથી બજાર ઉઘડશે કે કેમ તે વેપારીઓ નક્કી કરી શકતા નથી. સામાન્ય સંજોગોમાં જે બજારો મોડી રાત્રી સુધી ખુલ્લા રહેતા હતા તે બજારો હાલ દસ વાગ્યા પહેલા બંધ કરી દેવા પડે છે. પરિણામે બહારગામના વેપારીઓ અને ગ્રાહકો આવી શકતા નથી. તેની અસર ઘરાકી પર પડી છે. ઉપરાંત હાલ માર્કેટ પણ ખૂબ ઊંચું હોવાથી લોકો ખરીદી કરતા વિચાર કરી રહ્યા છે તેમ છતાં ઉત્તરાયણ આડે હજી છ દિવસ બાકી હોવાથી છેલ્લા દિવસોમાં ઘરાકી ઉઘડશે તેવી આશા છે. આ અંગે જમાલપુર રાયખડના સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ વેપારીઓ અને પતંગ બનાવતા કારીગરોની વેદનાને વાચા આપતા જણાવ્યું છે કે હાલ કોરોનાના કારણે જે કારીગરો બેકાર બન્યા છે. તેઓને સરકાર લોન કે સહાય તરીકે આર્થિક મદદ પુરી પાડી રહી છે, ત્યારે પતંગ ઉદ્યોગને પણ સજીવન રાખવા સરકાર પતંગના વેપારીઓ અને પતંગ બનાવતા કારીગરોને લોન કે આર્થિક સહાય પૂરી પાડે તેવી માગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ઉત્તરાયણ ઉજવવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે તેમાં એક ધાબા પર પાંચથી સાત લોકો જ એકઠા થઇ શકશે, તેમ જણાવાયું છે. આથી રો હાઉસ, ડુપ્લેક્સ, ટેનામેન્ટ કે બંગલાઓમાં રહેતા લોકોને કોઈ વાંધો આવી શકે તેમ નથી પરંતુ ફ્લેટમાં રહેતા લોકો પતંગ કઇ રીતે ચગાવવા તે અંગે આ અસમંજસમાં છે છતાં આ તો ગુજરાતીઓ છે દરેક રીતે પોતાનો રસ્તો કરી જ લે છે. આથી ઉત્તરાયણ મનાવવા અંગે પણ રસ્તાઓ શોધી કાઢશે તે તો નક્કી જ છે.