અમદાવાદ, તા.૭
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા યોજાનારી સનદની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ વધારી સનદની પરીક્ષા પણ પાછી લઈ જવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં લેખિતમાં કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલ કોરોનાની મહામારીને લઈ આખું વિશ્વ પરેશાન છે અને દેશના શૈક્ષણિક ક્ષેત્રે તમામ વિદ્યા શાખાની પરીક્ષાઓનું આયોજન વ્યવસ્થા ખોરવાયું છે. લો વિદ્યા શાખાના સેમેસ્ટર ૬ એટલે છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓની પરીક્ષા મહામારીના કારણે અટવાઈ છે અને યુજીસી દ્વારા હાલ કોઈપણ પ્રકારની સચોટ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાલ દેશમાં કોરોનાના વધતા કેસો આવનારા દિવસોમાં થનારી પરીક્ષા માટે એક પ્રશ્ન છે અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સનદ માટે લેવાનારી પરીક્ષાની તારીખ ૧૬ ઓગસ્ટ જાહેર કરી દેવામાં આવી છે. રજિસ્ટ્રેશનની પણ છેલ્લી તારીખ ર૭ જુલાઈ આપવામાં આવી છે. જો આ રજિસ્ટ્રેશન અને પરીક્ષાની તારીખો લંબાવવામાં ન આવે તો દેશભરના લો વિદ્યા શાખાના સેમેસ્ટર ૬ એટલે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાનારી સનદની પરીક્ષાથી વંચિત રહી શકે છે અને આખું વર્ષ એમનું બગડી શકે છે, તેથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી સનદની પરીક્ષા જ્યાં સુધી કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા અને પરિણામ કે અન્ય કોઈ નિકાલ ન આવે ત્યાં સુધી ન યોજવી કે સનદની પરીક્ષાની તારીખ આગળ વધારી વિદ્યાર્થીઓના હિતમાં ન્યાય આપવામાં આવે એમ રજૂઆત કરતાં ગુજરાત યુથ કોંગ્રેસના સેક્રેટરી ડૉ.સુબ્હાન સૈયદે જણાવ્યું છે.