મણિનગર જવા અમદાવાદ સિવિલ હોસ્પિટલથી કાલુપુર સુધી વૃદ્ધને ચાલવું પડ્યું બાદમાં માંડ-માંડ બાઈકસવારે કાંકરિયા સુધી લિફ્ટ આપી

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.રર
અમદાવાદમાં કોરોનાના કેસો વધતા બે દિવસ માટે કરફ્યુ લાદી દેવાયો હતો. પરંતુ આ કરફ્યુને લીધે કેટલાક દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોરોનાથી ૧૬ દિવસે સાજા થયેલા એક વૃદ્ધને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા મળી. પરંતુ રજા મળ્યા બાદ વૃદ્ધની તકલીફમાં વધારો થયો. કોરોનાને હરાવનારા વૃદ્ધને ઘરે જવા માટે લડત કરવી પડી હતી. કેમ કે, કોરોનાથી સાજા થયેલા વૃદ્ધને સિવિલ હોસ્પિટલથી મણિનગર જવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી. એટલે વૃદ્ધને અસારવા સિવિલ હોસ્પિટલથી કાલુપુર સુધી ચાલતા ચાલતા આવવું પડ્યું. ત્યાંથી કોઈ બાઈકચાલકે તેમને બેસાડીને કાંકરિયા ખાતે ઉતારી દીધા હતા. ત્યાંથી પણ તેઓ ચાલતા ચાલતા મણિનગર જવા રવાના થયા હતા. આમ કોરોનાના દર્દીને રજા આપ્યા બાદ ઘરે જવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. એટલે તંત્રની લાલિયાવાડીને લીધે એક વૃદ્ધને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વિગતવાર વાત કરીએ તો શહેરના મણિનગર ખાતે એક સંસ્થામાં રહેતા ૭૧ વર્ષીય વૃદ્ધ ભરત ઠક્કરને કોરોના થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ૧૬ દિવસ સુધી તેમની સારવાર થઈ સાજા થતાં રવિવારે બપોરે તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. પરંતુ ઘરે જવા માટે કોઈ વ્યવસ્થા કરાઈ નહીં. આ અંગે ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, બપોરે મને સિવિલમાંથી રજા આપી પણ ઘરે જવા માટે કોઈ વાહનની વ્યવસ્થા કરી નહીં. એટલે નાછૂટકે મારે મણિનગર જવા માટે સિવિલથી ચાલતા ચાલતા દવા-કપડાં સહિતના સામાનની થેલીઓ લઈને નીકળવું પડ્યું. કરફ્યુના લીધે કોઈ વાહન મળ્યું નહીં એટલે છેક કાલુપુર સુધી પગપાળા આવ્યો. ત્યાંથી એક બાઈકચાલક યુવકે મને લિફ્ટ આપી અને કાંકરિયા અપ્સરા-આરાધના ટોકિઝ પાસે ઉતારી દીધો. હવે ત્યાંથી પણ ચાલતા ચાલતા મણિનગર જઈ રહ્યો છું. વધુમાં ભરત ઠક્કરે દર્દીઓ માટે સરકાર દ્વારા વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે, કોઈને કશું કહેવા જેવું જ નથી. બધે લાલિયાવાડી જ ચાલે છે. સિવિલ હોસ્પિટલમાં ૧૬ દિવસથી સારવાર દરમિયાન બધુ જોઈ લીધું. મેડિકલ સ્ટાફ તેમના ઈન્ચાર્જ જ સાંભળતા ન હતા તો અમારા દર્દીઓનું શું સાંભળે ? આમ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ત્યારે સિવિલનું તંત્ર કોરોનાથી સાજા થતાં દર્દીઓને સહીસલામત ઘરે મૂકવાની યોગ્ય વ્યવસ્થા કરે તે સમયની માંગ છે.

હાથમાં પટ્ટો લઈને સારવાર માટે જતા શખ્સને ભારે મુશ્કેલી પડી

હાથમાં પ્લાસ્ટર કરેલા પટ્ટા સાથે મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે જવા નીકળેલા રમેશ મકવાણાને પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો. કરફ્યુને લીધે નારોલમાં રહેતા રમેશ મકવાણા નામના શખ્સે હાથમાં પ્લાસ્ટર કરેલો પટ્ટો બાંધેલો હતો જેની સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં જવા માટે તેઓ ઘરેથી નીકળ્યા. પરંતુ કરફ્યુને લીધે કોઈ વાહન મળે નહીં. એટલે નાછૂટકે તેમને ચાલતા નીકળવું પડ્યું. નારોલથી ચાલતા નીકળેલા રમેશ મકવાણાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, સારવાર માટે જવું જરૂરી હતું એટલે ઘરેથી નીકળ્યો પણ વાહનો ન મળતા ચાલતા જવું પડ્યું પરંતુ રસ્તામાં એક બાઈકચાલકે લિફ્ટ આપી તો ઈસનપુર સુધી આવ્યો હતો. ત્યાંથી ચાલતો ચાલતો એલ.જી. હોસ્પિટલ પહોંચ્યો છું.