(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૮
કોરોના વાયરસની મહામારી વચ્ચે વડોદરાના રેડ ઝોન એવા નાગરવાડા વિસતારના પ્રથમ દર્દી ફિરોઝખાન પઠાણ અને તેમના પુત્રે કોરોનાને માત આપ્યા બાદ બંને પિતા પુત્રએ અન્ય દર્દીની સારવાર માટે પોતાના પ્લાઝમાં દાન કરવાની ઈચ્છા દર્શાવતા આજે બંને પિતા પુત્રને પ્લાઝ્‌મા દાન કરવા માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નાગરવાડા વિસ્તારમાંથી જ કોરોનાના ૧૮૦થી વધુ કેસ બહાર આવ્યા હતા. નાગરવાડામાં સૌપ્રથમ કેસ ફિરોઝખાન પઠાણનો આવ્યો હતો. ત્યારબાદ તેમના પુત્ર આલમખાન પઠાણનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. બંને આ પિતા પુત્રને સારવાર માટે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં બંને પિતા પુત્રએ કોરોનાને પરાજય આપી હતી. બંને પિતા પુત્ર દ્વારા સાજા થઈ ગયા બાદ અન્ય દર્દીઓના સારવાર અર્થે પોતાના પ્લાઝ્‌મા દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના પગલે આજે બંને પિતા પુત્ર નર પ્લાઝ્‌મા ડોનેટ કરવા માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા.
ગુજરાત ટુડે સાથેની વાતચીતમાં ફિરોઝ પઠાણે જનાવ્યું હતું કે, અલ્લાહના કરમથી મેં અને મારા પુત્ર એ કોરોનાને માત આપી છે. આ પવિત્ર રમઝાન માસની બરકતથી તમામ દર્દીઓ સાજા થઈ જાય એ મારી દુઆ છે. મારા પ્લાઝમા દાન કરવાથી કોઈનો જીવ બચતો હોય તો તેનાથી મોટી વાત કોઈ ના હોઈ શકે. અને ઇસ્લામમાં પણ બીમારો અને ગરીબોની મદદ માટે આગળ આવવા આહવાન કરવામાં આવ્યું છે. મારા થકી કોઈની પણ મદદ થઈ શકશે તો હું અને મારો પરિવાર હંમેશા આગળ આવશે.