(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
વૈશ્વિક મહામારી કોરોનાને રોકવા સરકારના ભરસક પ્રયાસો તેમ છતાં અનલોક-૧માં કેસો સતત વધી રહ્યા હોય તેમ મંગળવારે સતત સાતમાં દિવસે ૧૧ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા. આજે બુધવારે સવારે પૂરા થયેલા ગત ૨૪ કલાક દરમ્યાન ૧૧,૦૯૦ દર્દીઓ વધવાની સાથે આ જ સમયગાળામાં એક સાથે અધધ.. ૨૦૦૪ જેટલા મોત નોંધાતા દેશમાં મૃત્યુઆંક વધીને ૧૧,૯૨૧ થયો હતો. મહારાષ્ટ્રમાં એક જ દિવસે ૧૪૦૦ જેટલા લોકોનાં મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મોતનો આંક પણ ૫૫૦૦નો આંક વટાવી ગયો છે. બુધવારે જાહેર થયેલા આંકડાઓએ સૌને ચોંકાવી દીધા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો અને સૌથી વધુ મૃત્યઆંક નોંધાયા હતા. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા હવે વધીને ૩ લાખ ૫૪ હજાર ૧૬૧ થઈ ગઈ છે, તો બીજી બાજુ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે ૯૩ લોકોનાં મોત થયા છે. સાથે જ ગત દિવસોમાં થયેલા મોતની પણ ડેથ કમિટીએ કોરોનાથી મોત થયાની પુષ્ટી કરી છે. રાજધાનીમાં કુલ મોતનો આંકડો ૧૮૩૭એ પહોંચ્યો છે. દિલ્હી, ગુજરાતને પાછળ છોડીને દેશમાં સંક્રમિતોના મામલામાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં મૃત્યુ દર વધીને ૩.૩૫% થઈ ગયો છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોરોના વાયરસથી એક જ દિવસમાં ૨૦૦૪ લોકોનાં મોત થયા છે જ્યારે ૧૦,૯૭૪ નવા કેસ નોંધાયા છે. દર્દીઓની કુલ સંખ્યા વધીને ૩,૫૪,૦૬૫ થઈ ગઈ છે જેમાંથી ૧,૫૫,૨૨૭ એક્ટિવ કેસ છે અને ૧,૮૬,૯૩૫ લોકો સાજા થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ૧,૧૩,૪૪૫ કુલ નોંધાયા છે જ્યારે ૫૦,૦૫૭ એક્ટિવ કેસ છે. આ ઉપરાંત ૫૭,૮૫૧ લોકો સાજા થઈ ગયા છે અને ૫૫૩૭ લોકોનાં મોત થઈ ગયા છે. દિલ્હીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૪૪,૬૮૮ થઈ ગઈ છે જેમાંથી ૨૬,૫૩૧ એક્ટિવ કેસ છે. આ ઉપરાંત ૧૬,૫૦૦ દર્દી સાજા થઈ ગયા છે અને ૧૮૩૭ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે ૨૫૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૭૦૧ દર્દી મળ્યા હતા, જ્યારે ૮૧ લોકોનાં મોત થયા છે. બુધવારે મોતની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો હકિકતમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો રિવ્યૂ કરવામાં આવી રહ્યો હતો. બધા મૃત્યુ મંગળવારથી બુધવારની વચ્ચે નથી થયા, કેટલાક લોકો જેની મૃત્યુ કોરોનાથી થઈ ન હોવાનું જણાવ્યું હતું એ લોકોને પણ હવે સંખ્યામાં ઉમેરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં જ આશરે એક હજાર મોતના આંકડાઓ ઉમેરવામાં આવ્યા નહોતા. આ મૃત્યુને કોરોના ડેથમાં ઉમેરવામાં આવ્યા છે જેથી હવે મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૧૪૦૦ લોકોનો મોતનો આંકડો સામે આવ્યો છે. દિલ્હીમાં પણ કોરોના મૃત્યુનો રિવ્યૂ કરવામાં આવી રહ્યો હતો જેના કારણે મોતના આંકડાઓમાં વધારો થયો છે.