(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ, તા.૯

રાજ્યમાં કોરોનાની ગતિ હાલ ૧૩૦૦ની આસપાસની સ્પીડે દોડી રહી છે. જ્યારથી ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે, ત્યારથી કેસોનો આંક ૧ર૦૦ને વટાવી રહ્યો છે. આજરોજ આરોગ્ય વિભાગે બહાર પાડેલા એક દિવસના આંકડા અનુસાર કોરોનાના ૧૩ર૯ કેસ નોંધાયા હતા, જ્યારે સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૩૩૬ થઈ હતી અને મૃત્યુઆંકમાં થોડો વધારો નોંધાતા મૃત્યુઆંક ૧૬ થયો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના જે ૧૩ર૯ કેસ નોંધાયા છે, તેમાં સુરત શહેરમાં ૧૭૪ અને જિલ્લામાં  ૯ર મળી કુલ ર૬૬, અમદાવાદ શહેરમાં ૧૪૯ અને જિલ્લામાં રર મળી કુલ ૧૭૧, રાજકોટ શહેરમાં ૯૪ અને જિલ્લામાં ૬૦ મળી કુલ ૧પ૪, જામનગર શહેરમાં ૯૧ અને જિલ્લામાં રર મળી કુલ ૧૧૩, વડોદરા શહેરમાં ૮૬ અને જિલ્લામાં ૪૦ મળી ૧ર૬, ભાવનગર શહેરમાં ર૭ અને જિલ્લામાં ૧૯ મળી ૪૬, જૂનાગઢ શહેરમાં ૧૯ અને જિલ્લામાં ૧૮ મળી ૩૭ તથા ગાંધીનગર શહેરમાં ૧પ અને જિલ્લામાં ર૦ મળી ૩પ કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં ડિસ્ચાર્જનો આંક પણ નવા કેસો કરતા વધુ હતો. આજે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાંથી સાજા થઈ ૧૩૩૬ દર્દીઓ ઘરે પરત ફર્યા હતા, તેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં ર૦૧, સુરત શહેરમાં ૧૭૬, જામનગર શહેરમાં ૧૦૪, સુરત જિલ્લા અને વડોદરા જિલ્લામાં ૧૦૦-૧૦૦, અમદાવાદ શહેરમાં ૯૯, પંચમહાલ જિલ્લામાં પ૪, વડોદરા શહેરમાં ૪પ, આણંદમાં ૩પ, ભરૂચમાં ૩૧, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ૩૦-૩૦, ભાવનગર શહેરમાં ર૮, ગાંધીનગર જિલ્લામાં ર૬, મોરબીમાં ર૩, અમદાવાદ જિલ્લામાં રર, અમરેલીમાં ર૧ અને બનાસકાંઠામાં ર૦ દર્દીઓ સાજા થયા હતા. આ ઉપરાંત વિવિધ જિલ્લામાં મળી કુલ ૧૩૩૬ દર્દીઓએ આજે કોરોનાને મ્હાત આપી હતી. કોરોનાથી આજે થયેલા મોતની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૪, સુરતમાં ૩, રાજકોટ શહેરમાં ર અને ગાંધીનગર શહેર જિલ્લા, મહિસાગર, સુરત શહેર, સુરેન્દ્રનગર, વડોદરા શહેર અને જિલ્લામાં ૧-૧ મળી કુલ ૧૬ મોત નોંધાયા હતા. દરમિયાન રાજ્યની આજદિન સુધીની સ્થિતિ પર નજર કરીએ તો કોરોનાના કુલ ૧,૦૮,૨૯૫ કેસ નોંધાયા છે, તે પૈકી ૮૮,૮૧૫ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂકયા છે, જ્યારે ૩૧પર લોકો મોતને ભેટી ચૂકયા છે. હાલ ૧૬,૩ર૮ દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૧૬,ર૩૪ સ્ટેબલ અને ૯૪ દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૭૫,૯૩૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કુલ ૩૦,૦૧,૩૮૨ ટેસ્ટ થઈ ચૂકયા છે. હાલ રાજ્યમાં ૬,૨૩,૫૪૫ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૬,૨૩,૦૯૧ હોમ ક્વોરન્ટાઈન અને ૪૫૪ લોકોને ફેસિલિટી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.