(એજન્સી) નવી દિલ્હી , તા.૨૭
એક જુલાઇથી અનલોક-૨માં વધુ છૂટછાટ આપવાની શક્યતા વચ્ચે કોરોના મહામારીએ જાણે કે ભારતમાં અડિંગો જમાવ્યો હોય તેમ એક જ દિવસમાં ૧૮ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. અને વધુ ૩૮૪ લોકોના મોત થયા હતા. આજે શનિવારે સવારે ૮ વાગે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાકમાં આંકડા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ હજાર ૫૫૨ કેસ સામે આવ્યા હતા અને વધુ.૩૮૪ લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫,૦૯,૯૫૩ થઈ ગઈ છે. જેમાં ૧ લાખ ૯૭ હજાર ૩૮૭ એક્ટિવ કેસ છે.૨ લાખ ૯૫ હજાર ૮૮૧ લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે.જ્યારે મોતનો કુલ આંકડો ૧૫ હજાર ૬૮૫ પર પહોંચ્યો છે. જો સંક્રમણના કેસ આ જ ઝડપથી વધશે તો આગામી સપ્તાહમાં ભારત વિશ્વમાં ત્રીજો સૌથી વધુ સંક્રમિત દેશ બનશે.રોજના જે રીતે કેસો આવી રહ્યાં છે તે જોતાં આવતીકાલે રવિવારના આંકડા સાથે કુલ સંખ્યા સવા પાંચ લાખને પાર થઇ જશે. બીજી તરફ, કોરોનાના જોખમને જોતાં ઝારખંડ સરકારે લોકડાઉન ૩૧ જૂલાઈ સુધી વધારી દીધું છે. બે મહિનાના સખત લોકડાઉન બાદ લોકડાઉન- ૫માં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કાળો કેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જ્યારે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૨ લાખ ૨૦ હજાર ૪૭૯ ટેસ્ટ કરાયા છે. સાથે જ ૨૬ જૂન સુધી દેશમાં ૭૯ લાખ ૯૬ હજાર ૭૦૭ લોકોના ટેસ્ટ કરાયા છે. દરમ્યાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ટિ્‌વટ કરીને જણાવ્યું કે, રાજધાનીમાં શનિવારે રેકોર્ડબ્રેક સમાન ૨૧ હજાર ૧૪૪ ટેસ્ટ કરાયા છે. જે એક દિવસમાં સૌથી મોટો આંકડો છે. તેમણે જણાવ્યું કે, અમે ચાર ગણા ટેસ્ટ વધારી રહ્યા છીએ. દિલ્હીમાં હવે ઝડપથી ટેસ્ટીંગ કરાશે અને વધારેમાં વધારે લોકોને આઈસોલેશનમાં રખાશે.
૧ જૂને જ્યારે અનલોક-૧ શરૂ થયું ત્યારે એક્ટિવ કેસ ૯૧ હજાર ૮૧૯ હતા, તો રિકવર કેસની સંખ્યા ૮૭ હજાર ૬૯૨ હતી. એ વખતે બન્ને વચ્ચે અંતર ૪૧૨૭ હતું. ૨૬ જૂને એક્ટિવ કેસ ૧ લાખ ૯૭ હજાર ૭૮૪ અને રિકવર કેસ ૨ લાખ ૯૫ હજાર ૯૧૭ થઈ ગયા હતા. બન્ને વચ્ચે અંતર વધીને ૧ લાખ ૩૨૧ થઈ ગયું હતું. લોકડાઉન અને અનલોક-૧ની સરખામણી કરવામાં આવે તો સૌથી વધારે ૧ લાખ ૩૨૧ દર્દી જૂનમાં સાજા થયા છે. એટલે કે એક્ટિવ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચે પણ ગેપ વધી છે.બિહારમાં ૧૮૦ નવા કેસો નોધાયા હતા.
મહારાષ્ટ્રમાં શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધારે ૫૦૨૪ સંક્રમિત દર્દીઓ મળ્યા અને ૧૭૫ લોકોના મોત થયા હતા. મુંબઈમાં ૧૨૯૭ કેસ વધ્યા હતા, અહીંયા હવે ૭૨ હજાર ૨૮૭ દર્દી થઈ ગયા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૫૨ હજાર ૭૬૫ થઈ ગઈ છે, જેમાંથી ૬૫ હજાર ૮૨૯ એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી ૭૧૦૬ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભારતનો કોરોના વાયરસથી સાજા થવાનો દર ૫૮ ટકાથી વધુ, મૃત્યુદર ૩ ટકાની નજીક : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસથી સાજા થવાનો દર ૫૮ ટકાથી વધુ થયો છે અને અત્યારસુધી ત્રણ લાખ લોકો આ રોગચાળામાંથી સાજા થઇ ગયા છે. હર્ષવર્ધને સત્તાવાર સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, આપણો રિકવરી રેટ ૫૮ ટકાથી વધુ થયો છે અને ત્રણ લાખની આસપાસ લોકો કોરોના વાયરસથી સાજા થઇ ગયા છે. હર્ષવર્ધને જણાવ્યું કે, દેશમાં મૃત્યુનો દર ત્રણ ટકા છે જે ઘણો ઓછો છે. આપણો ડબલિંગ દર વધીને ૧૯ દિવસનો થયો છે જે લોકડાઉન પહેલા ત્રણ દિવસ વહેલો હતો. શનિવારે એક ટિ્‌વટમાં તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કેન્દ્ર દ્વારા કોરોના સામે લડવાનીસારી કામગીરી કરાઇ છે જેમાં ૪.૭ લાખ આરટીપીસીઆર ટેસ્ટ અને ૫૦,૦૦૦ રેપિટ એન્ટિજન ટેસ્ટ કિટ અપાઇ છે. આ તમામ કિટો દિલ્હી સરકારને મફતમાં અપાઇ છે.