પ્રતિકાત્મક તસવીર

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩
કોરોનાનો કહેર વિશ્વને પગલે દેશ અને ગુજરાત રાજ્યમાં પણ પ્રસરી રહ્યો છે. લોકડાઉનના અમલ વચ્ચે પણ રોજ-બરોજ બહાર આવી રહેલ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સરકારની ચિંતામાં વધારો કરવા સાથે લોકોમાં ભય ફેલાવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના પોઝિટિવના નવા સાત કેસ બહાર આવ્યા છે અને તે તમામ એકલા અમદાવાદમાં જ નોંધાતા અમદાવાદ કોરોના માટે હોટ ટાર્ગેટ બની રહ્યું છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુના પણ રાજ્યમાં આજે બે બનાવ બન્યા છે, જેમાં પંચમહાલના એક દર્દીનું અને બીજા અમદાવાદના વધુ એક કોરોનાના દર્દીનું પણ સારવાર દરમ્યાન આજે મોત થતાં રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક ૯ થવા પામેલ છે. રાજ્યમાં અને તેમાં પણ ખાસ અમદાવાદમાં કોરોના વધુ ભયાવહ સ્થિતિ તરફ આગળ વધી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. રાજ્યભરના કોરોના વાયરસના પોઝિટિવ કેસો પૈકી ત્રીજા ભાગથી વધુ કેસો એકલા અમદાવાદમાં જ નોંધાવવા પામ્યા છે. રાજ્યના કુલ ૯પ કેસો પૈકી આજે નોંધાયેલા વધુ સાતેય કેસો સહિત અમદાવાદમાં ૩૮ કેસ નોંધાવવા પામ્યા છે. જ્યારે મૃત્યુની દૃષ્ટિએ પણ રાજ્યમાં કોરોનાને લીધે સૌથી વધુ મોત અમદાવાદમાં જ થયેલ છે. અમદાવાદમાં આજના વધુ એક મરણ સાથે મૃત્યુઆંક ચાર થયેલ છે. કોરોના વાયરસ પોઝિટિવની વડોદરાની સવિતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પંચમહાલ જિલ્લાના ગોધરાના ૭૮ વર્ષીય પુરૂષનું આજે મૃત્યુ થવા પામ્યું છે. આ દર્દીને અગાઉથી ફેફસાની અને હાયપર ટેન્શનની બીમારી હોવાનું પણ હોસ્પિટલ વર્તુળોએ જાહેર કરેલ છે. જ્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર લઈ રહેલ ૬૭ વર્ષની વ્યક્તિનું પણ આજે મૃત્યુ થવા પામ્યું છે. આ દર્દીને પણ અગાઉથી ડાયાબિટીસ તથા હાયપર ટેન્શનની બીમારી હોવાનું હોસ્પિટલના વર્તુળોએ જણાવ્યું છે. આ વધુ બે મોત સાથે રાજ્યમાં કોરોનાને લીધે મૃત્યુનો આંક ૯ પર પહોંચેલ છે. આ ૯માંથી ૪ અમદાવાદના અને બે ભાવનગરના, ૧ સુરતના, એક વડોદરાના તથા એક પંચમહાલના દર્દીનો સમાવેશ થાય છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નોંધાયેલ નવા સાતેય કેસ અમદાવાદના છે અને તેમાં માત્ર એક અન્ય રાજ્યનું બાદ કરતા બાકીના છએ કેસ લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગવાના બહાર આવતા અને અમદાવાદમાં સ્થાનિક સંક્રમણના કેસોનો થઈ રહેલો વધારો જોતાં કોરોના વાયરસની સૌથી વધુ અસર અહીં જોવા મળી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. અમદાવાદની આવી સ્થિતિ વચ્ચે પણ સરકાર દ્વારા બફર ઝોન તરીકે કોરોના વાયરસના વિસ્તારને ટ્રીટ કરી ખાસ સઘન સર્વેલન્સ સહિતના પગલાં લેવાની જે વાત બે-ત્રણ દિવસ અગાઉ કરાઈ હતી, તેનો કોઈ અમલ થઈ રહ્યો હોય તેવું જણાતું નથી. કોરોનાના કેસના ૩થી પાંચ કિ.મી.ની ત્રિજ્યાના વિસ્તારમાં આવી કોઈ હિલચાલ જોવા મળતી નથી. બીજી તરફ રાજ્યના કોરોના પોઝિટિવ કેસોની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં ૩૮ કેસ, સુરતમાં ૧ર, રાજકોટમાં ૧૦, ગાંધીનગરમાં ૧૧, વડોદરામાં ૯, ભાવનગરમાં ૭, પોરબંદરમાં ૩, ગીર-સોમનાથ ર તથા કચ્છ-મહેસાણા અને પંચમહાલમાં ૧-૧ કેસ નોંધાયેલ છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સ્થિતિ જોઈએ તો એકને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવેલ છે અને ૭પ દર્દીઓની હાલત સ્થિર જણાવાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૦ કોરોનાના દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવેલ છે. રાજ્યમાં કુલ ૧૯૯૮ લોકોના સેમ્પલ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૯૦૧ના નેગેટિવ રિપોર્ટ આવેલ છે તથા ૯પને પોઝિટિવ આવેલ છે. જ્યારે બે કેસના રિપોર્ટ આવવાના બાકી છે. રાજ્યમાં કુલ ૧૬,૦૧પને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવેલ છે, જેમાં ૧૪,૮૬૮ને હોમ ક્વોરન્ટાઈનમાં તથા ૮૮૦ને સરકારી ફેસેલિટી ખાતે તથા ર૬૭ને ખાનગી ફેસેલિટીમાં ક્વોરન્ટાઈનમાં મૂકવામાં આવ્યા છે. ક્વોરન્ટાઈનના ભંગ બદલ ૪૧૮ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.