(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
કોરોના વાયરસનો હાહાકાર હવે ગુજરાતમાં પણ ઊભો થઈ રહ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. કોરોનાના કેસોમાં જે રીતે ઉછાળો બે-ત્રણ દિવસથી જોવા મળી રહ્યો છે તે જોતાં કોરોનાનો ખતરનાક તબક્કો રાજ્યમાં શરૂ થયો હોય તેમ જણાય છે. રાજ્યમાં આજે કોરોના વાયરસ પોઝિટિવના વધુ ૧૮ કેસ બહાર આવતાં બે દિવસમાં જ ૩૮ કેસોનો ઉછાળો થવા પામ્યો છે. જેનાથી રાજ્યનો કોરોના પોઝિટિવનો આંક ૧૪૬ પર પહોંચ્યો છે જ્યારે આજે કોરોનાના લીધે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થવા પામ્યું છે. આ સાથે રાજ્યમાં મૃત્યુનો આંક કુલ ૧ર થવા પામેલ છે. અગાઉની જેમ જ આજે પણ એકલા અમદાવાદના જ ૧ર કેસ બહાર આવતા સરકારી તંત્રએ આકરા પગલાંરૂપે અમદાવાદમાં ૧૪ હજારથી વધુ લોકોને કલસ્ટર ક્વોરન્ટાઈન કર્યા છે.
કોરોના વાયરસનો વ્યાપ રાજ્યમાં દિવસે દિવસે વધીને વિકરાળરૂપ ધારણ કરી રહ્યો છે. ગત રોજ એક જ દિવસમાં કોરોના પોઝિટિવના ર૦ કેસનો ઉછાળો નોંધાયા બાદ આજે પણ એ જ રીતે ૧૮ કેસોનો ઉછાળો નોંધાતા કોરોના વાયરસે ગતિ પકડી હોય તેમ બે દિવસમાં ૩૮ કેસ અને છેલ્લા ત્રણ દિવસમાં પ૧ કેસ નોંધાયા છે. એટલે કે રાજ્યના કુલ કેસો ૧૪૬ પૈકી ત્રીજા ભાગના કેસ આ છેલ્લા ત્રણ દિવસમાં નોંધાવવા પામેલ હોવાનું જણાય છે. રાજ્યમાં આજે વધુ એક મોત કોરોના વાયરસના લીધે થવા પામેલ છે જેમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલ ૬ર વર્ષની મહિલાનું આજે મૃત્યુ નિપજ્યું હતું. શ્રીલંકાના પ્રવાસેથી આવેલ આ મહિલા તા.૧૮ માર્ચે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમને અગાઉથી ડાયાબિટીસ તથા હાઈપરટેન્શનની બીમારી હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે. આ મોત સાથે રાજ્યમાં કોરોનાને લીધે મોતનો આંક ૧ર પર પહોંચેલ છે જ્યારે કોરોનામાંથી સાજા થવાનો સિલસિલો આજે પણ જારી રહેતા અમદાવાદની ર૪ વર્ષીય યુવતી એસવીપી હોસ્પિટલમાંથી કોરોનામાંથી સાજી થઈને પોતાના ઘરે પરત ફરી છે. ડિસ્ચાર્જનો રાજ્યનો આંક રર થવા પામ્યો છે.
રાજ્યમાં આજના નવા ૧૮ કેસો સાથે કુલ ૧૪૬ કેસ પૈકી સૌથી વધુ અમદાવાદમાં ૬૪ કેસ થવા પામ્યા છે. જેમાં લોકલ ટ્રાન્સમિશનના પણ રાજ્યમાં સૌથી વધુ ર૮ કેસ થયા છે. જેના કારણે રાજ્યનું સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કેસ વધી રહ્યા છે અને તેમાં પણ લોકલ ટ્રાન્સમિશન ચેપનું પ્રમાણ વધતાં શહેરના સાત જેટલા વિસ્તારોમાં કલસ્ટર કન્ટેન્મેન્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના દરિયાપુર, શાહઆલમ, આંબાવાડી, દાણીલીમડા, જમાલપુર, રખિયાલ વગેરે વિસ્તારોમાં ૧૪ હજારથી વધુ ઘરોને ક્વોરન્ટાઈન હેઠળ લઈ લોકડાઉન કડક બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ ૧૪૬ કેસ પૈકી અમદાવાદમાં ૧ર નવા કેસ જ્યારે સુરતમાં ત્રણ, વડોદરામાં બે તથા મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ ૬૪ પોઝિટિવ અને પાંચના મોત, સુરતમાં ૧૮ પોઝિટિવ અને બેનાં મોત, ગાંધીનગરમાં ૧૩, ભાવનગરમાં ૧૩ અને બેનાં મોત, વડોદરામાં ૧૦ અને બેનાં મોત, રાજકોટમાં ૧૦ કેસ, પોરબંદરમાં ૩, ગીર-સોમનાથમાં બે, કચ્છમાં બે, મહેસાણામાં બે, પાટણમાં બે, પંચમહાલમાં એક અને એકનું મોત, છોટાઉદેપુર તથા જામનગરમાં ૧-૧ પોઝિટિવ નોંધાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ર૮૭૯ ટેસ્ટ કરાવાયા છે. જેમાંથી ૧૪૬ પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે ર૭૦૧ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. હજી ૩ર ટેસ્ટ પેન્ડીંગ છે કુલ ૧૪૬ કોરોના કેસોમાંથી ૧૦૯ની સ્થિતિ સ્થિર છે અને ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ ૧૪,૦૫૪ લોકો ક્વોરન્ટાઈન હેઠળ છે. જેમાં ૧૨૮૮૫ હોમ ક્વોરન્ટાઈનમાં, ૯૦૦ સરકારી ફેસિલિટીમાં તથા ર૬૯ ખાનગી ફેસિલિટીમાં ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે. જ્યારે ૪૧૮ લોકો સામે ક્વોરન્ટાઈનના ભંગ બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાના કેસો

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૬
ગુજરાતમાં કોરોના વાયરસના વધુ ૧૮ કેસ છેલ્લા ૨૪ કલાકમાં સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૧૪૬ થઈ છે. જેની વિગત નીચે મુજબ છે.

શહેર કેસ
અમદાવાદ ૬૪
વડોદરા ૧૨
સુરત ૧૯
રાજકોટ ૧૦
ગાંધીનગર ૧૩
કચ્છ ૦૨
ભાવનગર ૧૩
મહેસાણા ૦૨
શહેર કેસ
ગીરસોમનાથ ૦૨
પોરબંદર ૦૩
પંચમહાલ ૦૧
પાટણ ૦૨
છોટાઉદેપુર ૦૧
મોરબી ૦૧
જામનગર ૦૧
ગુજરાતમાં કુલ કેસ ૧૪૬