રાજ્યભરમાં કોરોનાના કેસોનો કુલ આંક ૧,ર૩,૩૩૭ : મૃત્યુઆંક ૩૩રર • કુલ ૧,૦૩,૭૭પ લોકો થયા કોરોનામુક્ત ! કોરોના ટેસ્ટમાં થયો આંશિક ઘટાડો

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૦

રાજયભરમાં કોરોના વાયરસના  ફેલાયેલા વ્યાપ વચ્ચે રોજેરોજના કોરોના પોઝિટિવ કેસનો આંક ઉછાળારૂપ વધી રહ્યો છે. સરકારી તંત્રના પ્રયાસો વચ્ચે કોરોના કાબુમાં આવી શકયો નથી. જેને લઈને રાજયમાં ચિંતાજનક સ્થિતિ નિર્માણ પામી રહી હોય તેમ જણાય છે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝિટિવ વધુ નવા ૧૪૦૭ કેસ બહાર આવ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ૧૪૦૦થી વધુ કેસોનો સિલસિલો જારી રહ્યો છે. જયારે રાજયમાં કોરોનામાં મૃત્યુનું પ્રમાણ પણ ફરી એકવાર વધી રહ્યું હોય તેમ જણાય છે. ર૪ કલાકમાં વધુ ૧૭ વ્યકિતઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. બીજી તરફ રાજયમાં કોરોનામાંથી સાજા થનારાનો વધુ આંક રાહતજનક છે. આજે વધુ ૧ર૦૪ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજયનો રિકવરી રેટ ૮૪.૧૪ ટકા થવા પામ્યો છે રાજયમાં બે ત્રણ દિવસથી કોરોના ટેસ્ટમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે આજે ૬૦,૬૮૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. રોજેરોજ ઊંચે જતાં કોરોનાના કેસમાં આજે વધુ ૧૪૦૭ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૨૩,૩૩૭એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૭ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૩૨૨એ પહોંચ્યો છે.

કોરોનાના આજના કેસોમાં સુરત કોર્પોરેશન ૧૮૧, અમદાવાદ કોર્પોરેશન ૧૬૧, જામનગર કોર્પોરેશન ૧૦૫, રાજકોટ કોર્પોરેશન ૧૦૪, સુરત ૧૦૨, વડોદરા કોર્પોરેશન ૯૮, રાજકોટ ૬૦, મહેસાણા ૫૩, વડોદરા ૪૨, કચ્છ ૩૫, પંચમહાલ ૨૯, ભાવનગર કોર્પોરેશન ૨૮, બનાસકાંઠા ૨૭, અમરેલી ૨૪, જામનગર ૨૪, ગાંધીનગર ૨૩, અમદાવાદ ૨૨, ભરૂચ ૨૨, ભાવનગર ૨૨, પાટણ ૨૨, ગાંધીનગર કોર્પોરેશન ૨૧, સુરેન્દ્રનગર ૨૦, જૂનાગઢ ૧૯, મોરબી ૧૯, જૂનાગઢ કોર્પોરેશન ૧૮ તેમજ અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૭ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ અમદાવાદ કોર્પોરેશન ૪, સુરત પ, ગાંધીનગર ૩, ભાવનગરમાં ૩, જૂનાગઢ ૧, રાજકોટ કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો, આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૭ લોકોનાં મોત નિપજ્યા છે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૩૨૨એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૩,૭૭૫ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ કોરોનાના કુલ કેસોમાંથી ૧૬,૨૪૦ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૨ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૬,૧૪૮ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર દર્શાવવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટના સતત વધારાને લઈ આજદિન સુધીમાં કુલ ૩૮ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.