(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૯

ગુજરાત રાજયમાં કોરોના  હાહાકાર મચાવી રહ્યો હોય તેમ રોજેરોજ ઉછાળારૂપ કેસો બહાર આવી રહ્યા છે. રાજયભરમાં ફેલાયેલા કોરોનાના વ્યાપને લઈ હવે રોજના કેસોનો આંક ૧૪૦૦થી પણ વધી જવા પામ્યો છે છેલ્લા ર૪ કલાકમાં રાજયમાં કોરોના પોઝિટિવના વધુ નવા રેકર્ડબ્રેક ૧૪૩ર કેસ બહાર આવ્યા છે. જેમાં આજે પણ  સૌથી વધુ ર૮૧ કેસ સાથે સુરત જ નંબર વન પર રહેલ છે. રાજયમાં કોરોનામાં મોતનું પ્રમાણ યથાવત રીતે જારી રહેતા આજે વધુ ૧૬ વ્યકિતઓના  મૃત્યુ નીપજયા છે. બીજી તરફ રાજયમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં ભારે ઉછાળો સતત જોવા મળી રહ્યો છે જેમાં આજે તો કોરોનાના  નવા  કેસોથી પણ સાજા થનારાનો આંક વધી જવા પામ્યો છે. રાજયમાં ર૪ કલાકમાં વધુ ૧૪૭૦ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજયનો કોરોનાનો રિકવરી રેટ વધીને ૮૪.૧ર ટકાએ પહોંચ્યો છે. જયારે રાજયમાં કોરોના ટેસ્ટના પ્રમાણમાં આજે આંશિક ઘટાડો થતા ૬૧,૪૩ર ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે આગળ વધી રહી છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સૌથી વધુ ૧૪૩૨ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૨૧,૯૩૦એ પહોંચી છે.  કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૪, અમદાવાદ કોર્પોરેશન ૧૫૨, સુરત ૧૦૭, જામનગર કોર્પોરેશન ૧૦૩, વડોદરા કોર્પોરેશન ૯૯, રાજકોટ કોર્પોરેશન ૯૭, મહેસાણા ૬૯, રાજકોટ ૫૪, બનાસકાંઠા ૪૪, વડોદરા ૩૯, પંચમહાલ ૩૦, અમરેલી ૨૯, મોરબી ૨૮, અમદાવાદ ૨૬, કચ્છ ૨૬, ભાવનગર કોર્પોરેશન ૨૫, ભરૂચ ૨૪, ગાંધીનગર ૨૩, જામનગર ૨૩, પાટણ ૨૩, ગાંધીનગર કોર્પોરેશન ૨૧, જુનાગઢ કોર્પોરેશન ૧૮ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૭ કેસ નોંધાવવા પામેલ છે. આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સુરત ૪, અમદાવાદ કોર્પોરેશન ૩, અમરેલી ૧, ભાવનગર ૧, ગાંધીનગર કોર્પોરેશન ૧, કચ્છ ૧, રાજકોટ કોર્પોરેશન ૧, વડોદરા ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૬ લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૩૦૫એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૨૫૭૧ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ  કોરોનાના કુલ કેસોમાંથી ૧૬,૦૫૪ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૭ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૫,૯૫૭ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટ વધવાને પગલે અત્યાર સુધીમાં કુલ ૩૭.૩૯ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.