(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૬
રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધુ વકરતો જઈ રહ્યો છે અને તેમાં પણ કોરોનાને લીધે મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે તે બહુ જ ચિંતાજનક બાબત બની રહી છે. એટલું જ નહીં મૃત્યુદરના મામલામાં ગુજરાત અને તેમાં પણ અમદાવાદ દેશભરમાં સૌથી આગળ છે. દેશભરમાં પ્રતિ ૧૦ લાખની વસ્તીની દૃષ્ટિએ કોરોનામાં મૃત્યુના મામલે અમદાવાદ પ્રથમ નંબર પર છે તે પછીના ક્રમે દેશભરમાં સૌથી વધુ મોત ધરાવતું મુંબઈ બીજા ક્રમે આવે છે. જ્યારે પુણે ત્રીજા ક્રમે રહે છે. આમ દરેક નંબર-૧ રહેવા માંગતું ગુજરાત કોરોના મામલે પણ નંબર ૧ બની રહેલ છે. કોરોનાના વધતા કેસ અને મૃત્યુ ગુજરાત જ નહીં દેશ માટે પણ ચિંતા વધારી રહેલ છે. કોરોના કેસ મામલે ભારત પણ વિશ્વમાં ઈટાલીથી આગળ વધીને છઠ્ઠા ક્રમે આવી ગયું છે તો ગુજરાત પણ દેશમાં ઝડપથી આગળના ક્રમે આવી રહેલ છે. જેમાં પણ અમદાવાદ શહેરમાં કોરોનાથી થયેલ મૃત્યુના દર દેશભરમાં સૌથી ઊંચો રહેતા ટોપ પર છે. અમદાવાદમાં પ્રતિ ૧૦ લાખની વસ્તીએ કોરોનામાં ૧૧૮નાં મોત થયા છે. કુલ મૃત્યુ ૯૬૮ થયા છે. દેશભરમાં કોરોનામાં સૌથી વધુ ૧૬૯૮ મૃત્યુ ધરાવતા મુંબઈમાં પ્રતિ ૧૦ લાખની વસ્તીએ કોરોનામાં ૮૩નાં મોત થયા છે. જેને લઈ મુંબઈ દેશમાં બીજા ક્રમે રહેલ છે તે પછી ત્રીજા ક્રમે પ્રતિ ૧૦ લાખની વસ્તીએ પપ મૃત્યુ સાથે પુણે આવે છે જ્યારે દિલ્હીમાં ૩ર મૃત્યુ, કોલકાતામાં ર૩ અને છઠ્ઠા ક્રમે ચેન્નાઈમાં ૧૬ મૃત્યુ થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસોના મામલામાં મુંબઈ સૌથી આગળ ૪૬,૦૮૦ કેસ અને તે પછી દિલ્હી ર૬,૩૩૪ કેસ તથા ચેન્નાઈ ૧૯૮૦૯ કેસ છે તો અમદાવાદમાં ૧૩૬૭૮ કેસ નોંધાયેલ છે. આમ દેશભરના તમામ મેટ્રો શહેરોમાં કોરોના ડેથ રેટના મામલામાં સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદની છે તો સૌથી સારી સ્થિતિ બેંગ્લુરૂની છે જ્યાં પ્રતિ ૧૦ લાખની વસ્તીએ કોરોના ડેથ રેટ માત્ર એક છે. ભારતમાં આ સમયે કોરોના વાયરસનો પ્રકોપ દિલ્હી અને મુંબઈથી સૌથી વધારે છે. ભારતમાં કોરોનાના કુલ મામલામાંથી ૨૦ ટકા કેસ તો માત્ર મુંબઇનાં છે. પરંતુ ભારતમાં પ્રતિ દસ લાખની આબાદીમાં સૌથી વધુ મોત ગુજરાતનાં અમદાવાદમાં થઈ રહ્યા છે. આટલું જ નહીં પ્રતિ ફેટલિટી રેટ-CFR પર સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદમાં છે. જ્યારે પ્રતિ સો કોરોના મામલોમાં સૌથીઓછો ડેથ રેટ ચેન્નઈનો છે. અહીં પ્રતિ સો કોરોના મામલામાં ડેથ રેટ ૦.૯ ટકા છે. વિશેષજ્ઞો પ્રમાણે, કેસ ફેટલિટી રેટ ઓછો થવો બૃહદ્‌ સ્તર પર ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગનું પરિણામ છે. જે જગ્યાએ ટેસ્ટિંગની સ્પીડ વધારે હોય છે તે જગ્યાઓ પર કેસ ફેટલિટી રેટ ઓછો કરી શકાય છે. અમદાવાદનું કેસ ફેટેલિટી રેટ વધારે (૬.૯) હોવા પાછળ કોરોના ટેસ્ટિંગની સંખ્યા ઓછી હોવાનું જણાવવામાં આવે છે. જો કુલ કોરોનાના આંકડાને જોવામાં આવે તો અમદાવાદમાં ૯૬૮ મોત થયા છે જે માત્ર મુંબઈથી જ ઓછા છે. મુંબઇમાં કોરોનાથી ૧૬૯૮ મોત થયા છે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં કુલ ૭૦૮ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે બેંગ્લુરૂમાં આ મામલામાં પણ સ્થિતિ કાબુમાં છે. અહીં કોરોનોથી ૧૪ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે પુણેમાં ૩૯૦, કોલકાતામાં ર૩૮ અને ચેન્નાઈમાં ૧૭૯ના કોરોનામાં મૃત્યુ થયેલ છે.