અમરેલી, તા.૧૩
ગુજરાતના ૩૩ જિલ્લામાંથી એક માત્ર અમરેલી જિલ્લામાં લોકડાઉનના ૫૦ દિવસ સુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ આવેલ ન હતો. ગ્રીનઝોન જિલ્લામાં સરકારે રેડઝોન જિલ્લાના વતનીઓને આપવાની લીલી ઝંડી આપ્યાના પાંચમાં દિવસે જ સુરતથી આવેલ એક વૃદ્ધાના રિપોર્ટ આજે પોઝિટિવ આવેલ હતો. જિલ્લામાં આજે પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વહીવટીતંત્ર હરકતમાં આવી ગયુ છે. વૃદ્ધાના પરિવાર તેમજ મુસાફરીમાં સાથે આવેલા તમામ ૨૭ મુસાફરોને અને એસ.ટી.ના ડ્રાઈવરને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવેલ હતા.
પ્રાપ્ત વિગત મુજબ રાજ્યભરમાં લોકડાઉનના પોણા બે માસ સુધી અમરેલી જિલ્લામાં વહીવટીતંત્રની કડક કામગીરીના કારણે એકપણ પોઝિટિવ કેસ નોંધાયેલ ન હતો. અમરેલી જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવેલ હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સુરતથી ઉમટી પડેલ માનવ મહેરામણથી જિલ્લાભરની જનતામાં પણ હવે કોરોનાના પગરવની ઘંટડી વાગવા લાગી હતી.
ગઈકાલે સુરતના સના વિસ્તારમાંથી અમરેલી એક એસ.ટી. બસમાં ૨૭ મુસાફરો આવ્યા હતા. જેઓનું ચેકપોસ્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવેલ હતું. બાદમાં તમામને અમરેલીમાં આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતેના ક્વોરન્ટાઈન ફેસીલીટી કેન્દ્ર ખાતે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જેમાંથી એક ૬૭ વર્ષની વૃદ્ધાને તાવ-શરદી જેવા લક્ષણો જણાતા શંકાસ્પદ કેસ તરીકે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામંં આવેલ. તેમનું સેમ્પલ લઈ ભાવનગર લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલવામાં આવેલ હતું. ગઈકાલ રાતથી જ વૃદ્ધાને ઓક્સિજન ઉપર રાખવામાં આવેલ હતા. આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ હતો.
કોરોનામુક્ત અમરેલીમાં પણ હવે વાયરસનો પગપેસારો

Recent Comments