(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા. ૨૮
રાજ્યમાં કોવિડ-૧૯ની સ્થિતિ અને સિવિલ હોસ્પિટલને લગતી અગત્યની પીઆઈએલ અને સુઓમોટોની સુનાવણી કરતી ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ન્યાયાધીશો તરીકે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પારડીવાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ બેન્ચમાં પહેલા જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાનો સમાવેશ થતો હતો અને આ બેન્ચે જ સુનાવણી વખતે સરકારની આકરી ઝાટકણી કરી હતી. હાઈકોર્ટ દ્વારા આ ઉપરાંત એક વિશિષ્ટ એરેજમેન્ટ કરવામાં આવી છે જે અંતર્ગત કોરોના સંકટમાં તાત્કાલિક લેવી પડે એવી મેટર માટે ન્યાયાધીશોની ખંડપીઠ બનાવવામાં આવી છે.
જે પ્રમાણે સિવિલ અને ક્રિમિનલ મેટર માટે બે ડિવિઝન બેન્ચ બનાવવામાં આવી છે. જેમાંથી એક બેન્ચમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પારડીવાલાનો અને બીજી બેન્ચમાં જસ્ટિસ આર. એમ. છાયા અને જસ્ટિસ ઇલેશ વોરાનો સમાવેશ થાય છે. આ સિવાય સિવિલ અને ક્રિમિનિલ મેટર માટે સિંગલ બેન્ચ મેટર્સમાં જસ્ટિસ સોનિયા ગોકાણી, જસ્ટિસ આર. પી. ઢોલરિયા, જસ્ટિસ વિપુલ પંચોલી, જસ્ટિસ એ. જે. શાસ્ત્રી, જસ્ટિસ બી. એન. કારિયા અને જસ્ટિસ સંગીતા વિશેનનો સમાવેશ થાય છે. મહત્ત્વનું છે કે, અગાઉ જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની બેન્ચ હતી જેમાં સિનિયર જજ તરીકે પારડીવાલા હતાં. આવામાં હવે ચીફ જસ્ટિસ વિક્રમનાથના વડપણ હેઠળ જસ્ટિસ પારડીવાળા બેન્ચમાં કામગીરી કરશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોના સંકટની કામગીરીમાં બેદરકારી મુદ્દે નોટિસ ફટકારી હતી. હાઈકોર્ટના જજ જે. બી. પારડીવાલા અને જ્જ ઇલેશ વોરાની સંયુક્ત બેન્ચ રાજ્ય સરકાર વિરુદ્ધની પિટિશન પર સુનાવણી કરી રહી હતી. સંયુક્ત જ્જની આ બેન્ચે રાજ્ય સરકારનો વિવિધ મુદ્દે ઉધડો લીધો હતો. ઉપરાંત જજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની જાત મુલાકાત લેવાની વાત પણ કરી હતી. જો કે હજુ સુધી જ્જ હોસ્પિટલની મુલાકાતે ગયા નથી.