(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
કોવિડ-૧૯ મહામારીને પગલે કોરોના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોનાના દર્દીઓને તકલીફ પડતા ઓક્સિજન આપવું પડે છે. જેને પગલે ઓક્સિજનના સિલિન્ડરની ભારે માંગ ઉઠી છે. ત્યારે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ ઓક્સિજન સિલિન્ડર ભાડેથી લાવી શકે નહીં. આવા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મફતમાં સિલિન્ડર આપવાનું અમદાવાદના શાહીન ફાઉન્ડેશન એક સરાહનીય કાર્ય શરૂ કર્યું છે. આ અંગે શાહીન ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી હમીદ મેમણે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને લીધે કોરોનાના દર્દીઓને ઘરે પણ ઓક્સિજન આપવાની જરૂર પડે છે ત્યારે ગરીબ દર્દીઓ ઓક્સિજનના સિલિન્ડર ભાડે લઈ શકે નહીં. એટલે નાણાંના અભાવે કોઈ દર્દીને તકલીફ પડે નહીં અને કોઈનો જીવ બચી જાય તેવા આશયે અમારા શાહીન ફાઉન્ડેશન દ્વારા ગરીબ દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર મફતમાં આપવાનું આજથી શરૂ કરાયું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલ કોરોના અને ન્યુમોનિયાને લીધે કેટલાક દર્દીઓને ઓક્સિજન ઘરે જ લગાવાના હોય છે. એટલે અમારા ફાઉન્ડેશન દ્વારા ગરીબ દર્દીઓને ઘરે બેઠા ઓક્સિજન સિલિન્ડર, રેગ્યુલેટર અને માસ્ક મફતમાં પહોંચાડવામાં આવશે એટલે સિલિન્ડર લેવા માટે દર્દીના સગાએ ઓરીજનલ આઈડી પ્રૂફ જમા કરાવવું પડશે. જો કે, સિલિન્ડર રેગ્યુલેટર પરત મળ્યા બાદ આઈડી પ્રૂફ પણ પરત આપી દેવામાં આવશે. સિલિન્ડર દર્દીના ઘરે પહોંચાડવાનું ટેમ્પો ભાડું દર્દીના સગાએ જ આપવું પડશે. મફત સિલિન્ડર મેળવવા માટે ગરીબ દર્દીઓ શાહીન ફાઉન્ડેશનના હેલ્પલાઈન નંબર ૯૯૭૮૦પ૪૪૬૬ ઉપર સવારના ૯થી સાંજના ૭ વાગ્યા સુધી સંપર્ક કરી શકશે. વધુમાં હમીદ મેમણે કહ્યું હતું કે, હાલ તો પ૦ ઓક્સિજન સિલિન્ડર સાથે સેવાનું કાર્ય શરૂ કર્યું છે તેમાં પહેલાં જ દિવસે ૧ર ગરીબ દર્દીઓને સિલિન્ડર પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે. જો કે, પરિસ્થિતિને જોતા વધુ સિલિન્ડરની માંગ આવશે તેવી અપેક્ષા છે. પરંતુ જો કોઈ દાતા મદદ કરશે તો અમે વધુ સિલિન્ડર લાવીને દર્દીઓ સુધી પહોંચાડીશું. જો કે, મફત ઓક્સિજન સિલિન્ડર આપ્યા બાદ દર્દીને જરૂરિયાત પ્રમાણે તેમાં રિ-ફીલિંગ પણ અમે મફતમાં જ કરી આપીશું. નાણાં અભાવે કોઈ ગરીબ દર્દીનો જીવ જાય નહીં અને વધુમાં વધુ ગરીબ દર્દીઓને આ સેવાનો લાભ મળે તેવો અમારો ધ્યેય છે.

અમદાવાદના આટલા વિસ્તારોને આ સેવાનો લાભ મળશે

ગરીબ દર્દીઓને મફતમાં ઓક્સિજન સિલિન્ડર આપવાનું કાર્ય અમદાવાદ શહેરના કોટ વિસ્તાર વટવા, દાણીલીમડા, નારોલ, ઈસનપુર, શાહઆલમ, જુહાપુરા અને મણિનગર વિસ્તારમાં પૂરતુ જ કરાશે.