ઈસ્લામાબાદ, તા.૧૭
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દેશમાં કોરોનાવાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધતા પાકિસ્તાન સુપર લીગની અત્યારે ચાલતી પાંચમી સીઝનને સ્થગિત કરી છે. પાકિસ્તાનમાં સોમવારે ૯૦ દર્દી વધ્યા હતા. તેમજ કુલ સંક્રમિતની સંખ્યા ૧૮૪ થઈ છે. અગાઉ બોર્ડ ટૂર્નામેન્ટ બંધ સ્ટેડિયમમાં રમાડી રહ્યું હતું પરંતુ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા તેમણે ટૂર્નામેન્ટને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આજે બંને સેમિફાઇનલ અને આવતીકાલે ફાઇનલ રમાવવાની હતી. પહેલી સેમિફાઇનલમાં મુલતાન સુલ્તાન્સ પેશાવર ઝાલમી સામે અને બીજી સેમિફાઇનલમાં કરાચી કિંગ્સ અને લાહોર ક્લન્ડર એકબીજા સામે ટકરાવવાના હતા. નોકઆઉટ મેચ માટેની નવી તારીખ બોર્ડ પછીથી જાહેર કરશે.