કોલસા, ખનિજ તેલ, કુદરતી ગેસ, રિફાઇનરી, લોખંડ-પોલાદ, સિમેન્ટ, વીજળી સાત ક્ષેત્રના ઉત્પાદનોમાં સતત પાંચ મહિનાથી ઘટાડો નોંધાઇ રહ્યો છે : નજીકના ભવિષ્યમાં અર્થતંત્રની રિકવરી શક્ય નથી

(એજન્સી) તા.૩૧
ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી આંકડાકીય માહિતીમાં સ્પષ્ટ જણાવાયું હતું કે એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિક સમયગાળા (ક્વાર્ટર) દરમ્યાન દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન-જીડીપી)ના ૨૩.૯ ટકાનો વિક્રમજનક ઘટાડો નોંધાયો હતો, જે છેલ્લા ૨૪ વર્ષનો સૌથી મોટો ઘટાડો ગણાય છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીથી માર્ચના ક્વાર્ટર દરમ્યાન દેશના જીડીપીમાં ૩.૧ ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન એટલે કે જૂન-૨૦૧૯ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળા દરમ્યાન જીડીપીમાં ૫.૨ ટકાનો વધારો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગત જુલાઇ મહિનામાં દેશના પાયાના આઠ ઉદ્યોગોના ઉત્પાદનો સરેરાશ ૯.૬ ટકા ઘટ્યા હતા અને વધુ મહત્ત્વની વાત એ હતી કે છેલ્લા સતત પાંચ મહિનાથી આ ઉદ્યોગોનો વિકાસ દર ઘટી રહ્યો હતો. લોખંડ-પોલાદ, સિમેન્ટ અને પેટ્રોકેમિકલ્સ (રિફાઇનરી) જેવા ઉદ્યોગોનું ઉત્પાદન ઘટી જતાં દેશના પાયાના ગણાતા ઉદ્યોગોના ઉત્પાદનોમાં પણ ઘટાડો નોંધાયો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલી આંકડાકીય માહિતી અનુસાર જુલાઇ મહિનામાં એક માત્ર ખાતર ઉદ્યોગને બાદ કરતાં બાકીના સાત ક્ષેત્ર એટલે કે કોલસા, ખનિજતેલ, કુદરતી ગેસ, રિફાઇનરી, લોખંડ-પોલાદ, સિમેન્ટ, વીજળી જેવા સાતે સાત ક્ષેત્રના ઉત્પાદનોમાં ઘટાડો નોંધાયો હતો.
એપ્રિલથી જૂન મહિના દરમ્યાન દેશમાં કોરોના વાયરસની મહામારી ત્રાટકી હતી જેને રોકવા દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવતા આ ત્રણ મહિના દરમ્યાન દેશમાં મહદઅંશે તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ સદંતર ઠપ થઇ ગઇ હતી જેના કારણે આ ક્વાર્ટર દરમ્યાન દેશના અર્થતંત્ર ઉપર ગંભીર ફટકો પડ્યો હતો. એપ્રિલથી જૂનના ક્વાર્ટર દરમ્યાન જીડીપીમાં નોંધાયેલા જંગી ઘટાડા માટે નીચે દર્શાવેલી કેટલીક મહત્ત્વની બાબતો જાણવા લાયક છે.
(૧) આ ક્વાર્ટર દરમ્યાન લોકડાઉન અમલમાં હોવાથી દેશની મોટાભાગની આર્થિક પ્રવૃત્તિ બંધ હતી, કર્મચારીઓ ઘરોમાં ભરાઇને બેઠા હતા અને લાખો લોકોની નોકરીઓ જતી રહી હતી જેના પગલે અર્થતંત્ર ઉપર મોટો ફટકો પડ્યો હતો.
(૨) બ્લુમબર્ગ ન્યૂઝ એજન્સીના અર્થશાસ્ત્રીઓએ આ સમયગાળા દરમ્યાન જીડીપીમાં ૧૫થી ૨૫.૯ ટકા જેટલો ઘટાડો થવાનો અંદાજ અગાઉથી જ રજૂ કરી દીધો હતો.
(૩) આજે જાહેર કરાયેલા આંકડા સ્પષ્ટ સૂચવે છે કે ચાલુ નાણાંકીય વર્ષના બાકીના છ માસિક સમયગાળા દરમ્યાન દેશમાં કાતિલ મંદી જોવા મળી શકે છે, કેમ કે કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે ઘટવાને બદલે રોકેટ ગતિએ વધી રહ્યો છે જેના પગલે તમામ પ્રકારની ચીજવસ્તુઓની માંગમાં જંગી ઘટાડો નોંધાશે, જેના પગલે આર્થિક પ્રવૃત્તિઓનો વેગ અટકી જશે. સામાન્ય રીતે સતત બે છ માસિક સમયગાળા દરમ્યાન દેશના જીડીપીમાં સતત ઘટાડો નોંધાય ત્યારે મંદી આવી કહેવાય.
(૪) કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનેલા લોકોના કેસોની સંખ્યા ભારતમાં રોકેટ ગતિએ વધી રહી છે અને છેલ્લા બે સપ્તાહથી તો કેસોની જે સંખ્યા જોવા મળી છે તે અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધુ અને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ નોંધાઇ છે. હાલ ભારતમાં કોરોનાના ૩૫.૪૦ લાખ કેસો નોંધાયેલા છે, ૬૩,૪૯૮ લોકોના મોત નોંધાયા છે.
(૫) અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે હાલ જાહેર નાણાકીય વ્યવસ્થા હચમચી ગઇ છે, પ્રજા પણ આર્થિક ભીંસમાંથી પસાર થઇ રહી છે અને ફુગાવો આસમાન તરફ આગળ વધી રહ્યો છે એવા સંજોગોમાં નજીકના ભવિષ્યમાં અર્થતંત્રની ગાડી પાટા ઉપર ચડે એવી કોઇ શક્યતા જણાતી નથી.
(૬) કેન્દ્ર સરકારે ગત મે મહિનામાં રૂા.૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું પરંતુ વિખ્યાત અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે તે આર્થિક પેકેજમાં જાહેર કરાયેલી મોટાભાગની બાબતોની સામાન્ય બજેટમાં અગાઉથી જ જોગવાઇ કરેલી હતી તેથી તે આર્થિક પેકેજથી લોકોને નહિવત રાહત થઇ હતી.
(૭) રિર્ઝવ બેન્કે દેશની આર્થિક પ્રવૃત્તિ ધીમે ધીમે ધમધમતી થાય તે માટે ગત માર્ચથી અત્યાર સુધીમાં વ્યાજદરોમાં ૧.૧૫ ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો, તેમ છતાં ફુગાવો હજુ સુધી કાબુમાં આવ્યો નથી.