(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૧
કોરોના વાયરસે વિશ્વમાં મચાવેલ હાહાકારનો ભય હવે ગુજરાત ભણી આગળ વધી રહ્યો હોય તેમ છેલ્લા બે-ચાર દિવસથી જણાય છે. રાજ્યમાં ત્રણ દિવસમાં કોરોના વાયરસ પોઝિટિવના ૧૩ કેસ બહાર આવતા રાજ્ય સરકારે વધુ કડક પગલાં લેવાનું આરંભી દીધું છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી તેમાં સ્થિતિની સમીક્ષા કરવા સાથે કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા હતા જેમાં કોરોનાના વ્યાપને અટકાવવા રાજ્યના મુખ્ય ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. એટલે આ ચાર મહાનગરોમાં જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુ અને દવાઓ-આવશ્યક સેવાઓ સિવાય બધુ જ તા.રપ માર્ચ સુધી બંધ રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં સર્જાયેલી કોરોના વાયરસની પરિસ્થિતીની ઉચ્ચસ્તરીય કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરી સ્થિતીનો તકાજો મેળવ્યો હતો.
કોરોના વાયરસનો વ્યાપ સામાન્યતઃ બીજા અને ત્રીજા સ્ટેજમાં વધતો હોવાનો ટ્રેન્ડ વિશ્વમાં જોવા મળ્યો છે તે સંદર્ભમાં ગુજરાતમાં તેનો વ્યાપ વધુ ફેલાતો અટકાવવાની તકેદારી-સતર્કતા રૂપે આ બેઠકમાં કેટલાક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, આ વાયરસનો ફેલાવો એકબીજાના સંપર્કમાં આવવાથી થતો હોવાથી રાજ્યના નાગરિકો ભીડભાડ વાળી જગ્યાએ કે જાહેર સ્થળોએ જઇને અન્યોના સંપર્કમાં ન આવે તે હેતુસર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, આગામી બુધવાર, તા.ર૫ માર્ચ-ર૦ર૦ સુધી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર્સ તેમજ મેડીકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રાખી શકાશે.
આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિ. કોર્પો., પંચાયત સેવાઓ, વિજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવાઓ બેન્ક, એ.ટી.એમ., બેન્કના કલીયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અન્ય અતિ આવશ્યક સેવાઓ, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા તંત્ર તથા મીડીયા સમાચારપત્રો, ખાદ્ય પદાર્થો અને ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટકંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તથા તેને લગતા ઇ-કોમર્સ સાથે સંકળાયેલી દુકાનો-સંસ્થાઓ જ ચાલુ રહેશે. આ સિવાય બધા જ બજારો બંધ રહેશે. કોરોના વાયરસનું સંક્રમણ પ્રસરતું અટકાવવા એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્ય સરકારની તમામ કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનની કચેરી તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તા. ર૯ માર્ચ સુધી વર્ગ- ર થી ૪ ના કુલ કર્મચારીઓના પ૦ ટકા કર્મચારીઓ રોટેશનલ બેજીઝ પર ઓફિસ ફરજ પર ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં સિવીલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ૧ર૦૦ બેડની નવિન હોસ્પિટલને કોરોના વાયરસના પોઝિટીવ કેસીસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવા ઉપરાંત રાજકોટમાં રપ૦ બેડ, વડોદરામાં રપ૦ બેડ તથા સુરતમાં પ૦૦ બેડની હોસ્પિટલ ‘ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ’ તરીકે ત્વરાએ કાર્યરત કરી દેવાની સૂચનાઓ પણ આપી છે.