ગાંધીનગર,તા.૭
કોરોના વાયરસને લીધે બજારમાં માસ્ક અને હેન્ડ સેનીટાઈઝરના વેચાણમાં એકદમ વધારો થયો છે. તેવામાં મેડિકલ સ્ટોર દ્વારા હેન્ડ સેનીટાઈઝર અને માસ્કની કિંમત ઉંચી વસૂલીને ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે. જેને જોતા રાજયની ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતર્ક થયો છે. તેમજ નાગરિકોને વ્યાજબી ભાવે માસ્ક અને હેન્ડ સેનીટાઈઝર આપવા કેમિસ્ટોને અનુરોધ કર્યો છે. ઉપરાંત કયાંક વધુ નફાખોરી કે ગેરરીતિ થતી હોય તો ૧૦૪ હેલ્પલાઈન ઉપર જાણ કરી શકશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં સંભવિત કોરોના વાયરસ સામે ઈન્ફેકશનની અગમચેતી તરીકે નાગરિકોમાં માસ્ક અને હેન્ડ સેનીટાઈઝરની વ્યાપક માગ ઉભી થઈ છે. આ બનાવટો મુખ્યત્વે દવાની દુકાનો દ્વારા ઉપલબ્ધ થતી હોય તે અંગે કેમીસ્ટ મિત્રોને તેનું વ્યાજબી ભાવે વધુ નફાખોરી નહીં કરીને ગ્રાહકોને સરળતાથી મળી રહે અને આવી કપરી પરિસ્થિતિમાં માનવતાના ભાગરૂપે તેમજ સમાજને મદદરૂપ થવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વધુમાં જણાવાયું છે કે આ માસ્કનો ઉપયોગ જે વ્યકિતઓને ઈન્ફેકશન થયું છે તે અન્ય જગ્યાએ ફેલાય કે પ્રસરે નહી તથા તેની સારવાર સાથે જોડાયેલા નજીકના તેની સારસંભાળ રાખતા વ્યકિતને અગમચેતીના ભાગરૂપે ઉપયોગમાં લેવો જરૂરી છે. જયારે સ્વસ્થ નાગરિકોએ તેનો બિનજરૂરી ઉપયોગ ન કરવા અને સંગ્રહના કારણે બજારમાં તેની ખોટી અછત ન સર્જાય તે હેતુથી તેમાં સાથ સહકાર આપવા અપીલ કરાઈ છે. રાજયની ૧૦૪ ફિવર હેલ્પલાઈન નંબર દ્વારા કોરોના વાયરસ અને તેને લગતી માહિતી ઉપલબ્ધ થઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ આ અંગે વધુ નફાખોરી કે ગેરરીતિ અંગેની કોઈપણ માહિતી જાણ ૧૦૪ ફિવર હેલ્પલાઈન નંબર ઉપર કરી શકાશે તેમ પણ વધુમાં જણાવાયું છે.

હોટલમાં આવતા પ્રવાસી અને કર્મીઓનું થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત

કોરોના વાયરસના અનુસંધાનમાં સંભવિત ઈન્ફેક્શન સામે અગમચેતીના પગલારૂપે તમામ હોટલમાં આવતા પ્રવાસીઓ તેમજ હોટલ કર્મચારીઓના થર્મલ સ્ક્રીનિંગ માટેની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. આ ઉપરાંત હોટલમાં સેનિટેશન માટે યોગ્ય ગુણવત્તાયુક્ત સેનિટાઈઝર, માસ્ક વગેરે ઉપલબ્ધ કરાવવા જરૂરી છે. કોઈપણ પ્રવાસી કે હોટલ કર્મચારીના શરીરનું તાપમાન ૯૯ ફેરનહીટ અથવા તેથી વધુ હોય તો તાત્કાલિક આરોગ્ય તંત્રને જાણ કરવી જેવા અગમચેતીના પગલાં લેવા જરૂરી છે. આ બાબતે વધુ જાણકારી માટે કોરોના હેલ્પલાઈન : ઈન્ડિયા : ૦૧૧-૨૩૯૭૮૦૪૬ ઉપર સંપર્ક કરી શકાશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરની યાદીમાં જણાવાયું છે.