અમદાવાદ,તા.૧૯
રાજયભરમાં કોરોનાનો કાળો કેર યથાવત રહ્યો છે બે મહિના કરતા પણ વધુ સમયથી કોરોના અને લોકડાઉનને પરિણામે અનેક કાર્યો અને સેવાઓ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે જીપીએસસી દ્વારા રર માર્ચથી ૩૦ જૂન સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને ર૦ જૂનના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તે મુજબની જાણ ઉમેદવારોને કરવામાં આવી હતી. પરંતુ કોરોનાના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને જોતા તેમજ વહીવટી તંત્રની કોરોના વાયરસની આનુષાંગિક કામગીરીમાં વ્યસ્તતા, પુરતા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષા લઈ શકાય તે માટે પરીક્ષા કેન્દ્રો મળવામાં મુશ્કેલી તથા ઉમેદવારોને પડનારી મુશ્કેલી જેવી બાબતોને ધ્યાનમાં રાખીને હાલ સુધારા સાથેની પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવતો નથી. ટૂંકમાં આવતી કાલે જીપીએસસીની વેબસાઈટ પર જાહેર થનાર પરીક્ષાનો કાર્યક્રમ હાલ પુરતો જાહેર કરાશે નહીં તેમજ આયોગે સુધારેલ પરીક્ષા કાર્યક્રમ માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા વિનંતી કરી છે. આમ ર૦મી જૂનના રોજ અગાઉ જણાવ્યા મુજબ જીપીએસસીની પ્રાથમિક કસોટીઓ અને મુખ્ય પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે નહીં સુધારેલ પરીક્ષા કાર્યક્રમ માટે ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવી છે.