અમદાવાદ, તા.૩
રાજ્યમાં લોકડાઉન-૪ બાદ પણ કોરોનાનો કહેર યથાવત્‌ છે દરરોજ ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. લોકડાઉનને પગલે તમામ વેપાર ધંધા તથા સેવાઓ બંધ હતી. પરંતુ લોકડાઉન-૪ અને પમાં કેટલાક નિયમો અને શરતો સાથે લોકડાઉન હળવું કરી નાખ્યું છે. ત્યારે છેલ્લા બે મહિનાથી બંધ રહેલી એસ.ટી. બસ સેવા પણ હવે શરૂ કરવામાં આવી છે. અનલોકના પ્રથમ દિવસે રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી અંદાજે ૯૦ હજાર જેટલા મુસાફરોએ એસ.ટી. બસની સવારી કરી છે. જ્યારે સામાન્ય દિવસોમાં રાજ્યભરમાં દરરોજ ર૦થી ૩૦ લાખ લોકો એસ.ટી. બસમાં મુસાફરી કરે છે. પરંતુ કોરોનાના કહેરને કારણે તેમજ એસ.ટી. બસમાં ૩૦ ટકાની સંખ્યા મર્યાદા સહિતના અનેક કારણોને જોતાં પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. છૂટછાટ બાદ ૧ જૂન સોમવારના રોજ ૬૬ર૭ મુસાફરોએ એસ.ટી. બસમાં મુસાફરી માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી. ત્યારબાદ મંગળાવર બપોર સુધીમાં ૭૮૧૭ લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી. જ્યારે અન્ય મુસાફરોએ સ્ટેશન પર જઈને ટિકિટ ખરીદી હતી. એસ.ટી. બસમાં મુસાફરી કરવા પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ બુક કરાવવી પડે છે. વળી બસમાં ૩૦ ટકાથી વધુ મુસાફરો બેસી શકતા નથી. તેમજ બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કનો ઉપયોગ પણ ફરજિયાત છે. વળી રાજ્યમાં જે સ્થળો કન્ટેઈનમેન્ટ હેઠળ છે તે સિવાય અન્ય વિસ્તારોમાં જ બસની અવર-જવર થાય છે. અનલોકના પ્રથમ દિવસે બસની મુસાફરી કરવા માટે પ્રવાસીઓને ખૂબ જ રાહ જોવી પડી હતી. બીજી તરફ અમદાવાદમાં પણ બસમાં બેસતા પહેલાં મુસાફરો માટે સ્ક્રીનિંગની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવી ન હતી. ગાંધીનગર એસ.ટી. સ્ટેન્ડથી અમદાવાદ સહિતના પોઈન્ટ માટે બસો દોડાવવામાં આવી હતી. જો કે, મોટાભાગના મુસાફરો સરકારી કર્મચારીઓ હતા, આમ હાલ તો નોકરિયાત વર્ગ અને ખાસ જરૂરતમંદ સિવાયના લોકો બસમાં મુસાફરી કરતા હોય તેવું લાગતું નથી, આમ કોરોના મહામારી વચ્ચે એસ.ટી. બસ નિગમને મોટો ફટકો પડી રહ્યો છે.