સિડની,તા.૨૦
વર્ષ ૨૦૨૦ના વિશ્વની સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લિસ્ટમાં અમેરિકા ટોપ પર છે. પરંતુ આ વર્ષે ભારતે બે સ્થાનનું નુકસાન ભોગવવું પડ્યું છે. પાછલા વર્ષે એટલે કે ૨૦૧૯ના આ લિસ્ટમાં ભારત વિશ્વની પ્રમુખ શક્તિઓમાં સામેલ હતું. આ વખતે કોરોના વાયરસના પ્રકોપને કારણે ભારત આ લિસ્ટમાંથી બહાર થઈ ગયું છે. સિડની સ્થિત લોવી ઇન્સ્ટિક્યૂટના એશિયા પાવર ઇન્ડેક્સ અનુસાર, ૨૦૧૯મા ભારતનો પાવર સ્કોર ૪૧.૦ હતો જે ૨૦૨૦મા ઘટીને ૩૯.૭ થઈ ગયો છે. આ લિસ્ટમાં જે દેશનો સ્કોર ૪૦ કે તેથી વધુ હોય છે તેને દુનિયાના મુખ્ય શક્તિ માનવામાં આવે છે. પાછલા વર્ષે ભારત તે લિસ્ટમાં સામેલ હતું પરંતુ આ વર્ષે થોડા પોઈન્ટને કારણે બહાર થઈ ગયું છે. લોવી ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એશિયાની બીજી સૌથી વધુ વસ્તી વાળો દેશ હવે મધ્ય શક્તિ વાળી યાદીમાં આવી ગયો છે. પરંતુ આવનાર વર્ષોમાં તે દેશ ફરી યાદીમાં સામેલ થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડો-પૈસિફિકના બધા દેશો વચ્ચે ભારતે કોરોના વાયરસને કારણે વિકાસની ક્ષમતાને ગુમાવી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનની જનસંખ્યા લગભગ એક બરાબર છે. કેટલાક વર્ષ બાદ ભારત લગભગ જનસંખ્યાના મામલામાં ચીનને પાછળ છોડી દેશે. પરંતુ ભારતીય સમાજ પર કોરોના વાયરસની મારે બંન્ને દેશો વચ્ચેની શક્તિની અસમાનતાને વધારી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, હાલના વલણ અનુસાર, આ દાયકાના અંત સુધી ભારત, ચીનના કુલ આર્થિક ઉત્પાદનના માત્ર ૪૦ ટકા પહોંચી શકશે. જ્યારે ૨૦૧૯ના પૂર્વાનુમાનમાં તેના ૫૦ ટકા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
ધ લોવી ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કે, ૨૦૩૦ સુધી ભારતીય અર્થવ્યવસ્થા મૂળ રૂપથી મહામારી પહેલાના પૂર્વાનુમાનની તુલનામાં ૧૩ ટકા ઓછી રહેશે. તેનાથી ભવિષ્યના સંસાધનોના માપ (ફ્યૂચર રિસોર્સ મિજર્સ) પર ભારતના સ્કોરમાં લગભગ પાંચ પોઈન્ટનો ઘટાડો આવ્યો છે. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે એશિયામાં ભારતનો કૂટનીતિક પ્રભાવ સારો રહ્યો છે. તેનાથી ૨૦૨૦મા આ ક્ષેત્રમાં ભારતની મોટી ભૂમિકા નિભાવવાની મહત્વાકાંક્ષા સ્પષ્ટ થઈ રહી છે. ભારતે રાજદ્વારી પ્રભાવમાં દક્ષિણ કોરિયા અને રશિયાને પાછળ છોડી દીધું છે અને હવે અમેરિકા બાદ ચોથા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાનું લોવી ઈન્સ્ટિટ્યૂટ દર વર્ષે વિશ્વના પ્રમુખ દેશોની આર્થિક ક્ષમતા, સૈન્ય ક્ષમતા, આંતરિક સ્થિતિ, ભવિષ્યનું પ્લાનિંગ, બીજા દેશો સાથે આર્થિક સંબંધ, ડિફેન્સ નેટવર્ક, રાજનીતિક અને કૂટનીતિક પ્રભાવ અને સાંસ્કૃતિક પ્રભાવનો અભ્યાસ કરી આ યાદી જાહેર કરે છે. આ વર્ષની યાદીમાં સૌથી ઝડપથી ઉપર ચઢતા દેશોમાં વિયતનામ પ્રથમ સ્થાન પર છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા અને ત્રીજા સ્થાને તાઇવાન છે.