ગાંધીનગર, તા.૬
ગુજરાત વિધાનસભાની કામગીરી જોવા માટે સત્તાપક્ષ અને વિપક્ષના મત ક્ષેત્રમાંથી અલગ-અલગ જિલ્લાના સમર્થકો વિદ્યાર્થીઓ અને કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા વિધાનસભા પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. પરિણામે સમગ્ર બજેટસત્ર દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ વિધાનસભા ગૃહની કાર્યવાહી જોવા આવે છે. એક તરફ મેળા જેવું વાતાવરણ જોવા મળતું હોય છે તો બીજી તરફ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાઈરસની દહેશત સર્જાય છે. ત્યારે વિધાનસભાની મુલાકાતે આવનાર વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપર પ્રવેશબંધી લાદવામાં આવે તેવી માગ ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ કરી હતી. કોરોના વાઈરસના પગલે વિધાનસભામાં આવતા મુલાકાતીઓ માટે આવતા સપ્તાહથી જ એટલે કે બુધવારથી પ્રવેશ પાબંધી લગાડવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મેળાવડા અને સંમેલનો રદ કરવાના નિર્ણય પણ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ આજે કાર્યવાહી બાદ આગામી બેઠક બુધવારે એટલે કે તા.૧૧ માર્ચે ગૃહ મળવાનું છે. જો કે, કાર્યવાહીમાં પણ મુલાકાતીઓની સંખ્યા નહીંવત્‌ જોવા મળી હતી એક સમયે હજારોની સંખ્યામાં ઉમટી પડતું માનવ મહેરામણ આજે નહીંવત જણાતું હતું. નોંધનીય છેકે, કોરોના વાયરસની સીધી ઇફેક્ટ વિધાનસભામાં બેસતા મંત્રીઓ થી માડી ધારાસભ્યોમાં પણ જોવા મળી છે. અને એટલે સરકારે મુલાકાત ઉપર નિયંત્રણ રાખવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ છે. જો કે, આ મામલે અગ્રસચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને લીધે વિધાનસભામાં મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓ મામલે હાલ ચર્ચા ચાલી રહી છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

મહિલા દિને સીએમના કાર્યક્રમો
સહિતના મહિલા સંમેલનો રદ્દ કરાયા

ગાંધીનગર, તા.૬
મહિલા દિને મુખ્યમંત્રી દ્વારા યોજાનારા મહિલા સંમેલનના કાર્યક્રમો કોરોના વાયરસને લીધે રદ્દ કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અને કોર્પોરેશનમાં આગામી તા.૮મી માર્ચ, ર૦ર૦ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા સંમેલનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જનહિતાર્થે કોરોના વાયરસની ચેતવણીના કારણે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં ૮મી માર્ચ, ર૦ર૦ના રોજ આયોજિત મહિલા સંમેલનની ઉજવણી હાલમાં મોકૂફ રાખવામાં આવી છે.