કોરોના વાયરસના પ્રકોપને કારણે એર ઈન્ડિયાના ૧૦ ક્રૂ મેમ્બરને નિરીક્ષણ હેઠળ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૫ ફેબ્રુઆરીએ વિએનાથી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાના એઆઈ ૧૫૪ વિમાનમાં એક મુસાફરનો સેમ્પલ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિની પુષ્ટી કરી ત્યારે આ નિર્ણય લેવાયો છે. મંત્રાલયની આ પુષ્ટિ બાદ એ નિર્ણય લેવાયો કે વિએના દિલ્હી એર ઈન્ડિયા વિમાનના ૧૦ ક્રૂ મેમ્બરને તેમના ઘરમાં ૧૪ દિવસ માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. દિલ્હીમાં જે દર્દીની જાણ થઈ છે તે આ વિમાનમાં સવાર હતો. ૨૫ ફેબ્રુઆરીએ આ વિમાને વિએનાથી દિલ્હીની ઉડાન ભરી હતી.
૨૫ ફેબ્રુઆરીની વિએના-દિલ્હી ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ પોતાના ઘરે ૧૪ દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રહેશે. આ સમય દરમિયાન તેમનામા કોરોના વાયરસના કોઈ પણ લક્ષણ જોવા મળે તો તેમને તાત્કાલિક ડૉક્ટરો સાથે સંપર્ક કરવાનો રહેશે.