વડોદરા, તા.૨૫
વડોદરા હોસ્પિટલમાં કોરોના દર્દીઓને આપાતી સુવિધાઓમાં વહીવટીતંત્ર સરિયામ ફ્લોપ પુરવાર થતાં સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રાજીવ દેવેશ્વરને શો કોઝ નોટિસ ફટકાર્યા બાદ કોરોના ઓએસડી વિનોદ રાવે સયાજી હોસ્પિટલના જ ઓડિટોરિયમમાં યોજાયેલી મીટિંગમાં રીતસરનો ઉધડો લીધો હતો. આ મીટિંગોમાં ડૉ. રાવનો મિજાજ જોતા એસએસજીના બે એડવાઈઝરો ઉપરાંત પીઆઈયુ, સિનિયર તબીબો, નર્સિંગ અધિકારીઓ સહિત ઉપસ્થિતોમાં પણ સન્નાટો ફેલાઈ ગયો હતો.
ડૉ.રાવે સુપરિન્ટેન્ડેન્ટને સયાજી હોસ્પિટલના કથળેલા વહીવટની બાબતમાં સવાલો પૂછ્યા ત્યારે જવાબમાં સુપરિન્ટેન્ડેન્ટ બોલ્યા ‘મે કોશિશ કર રહા થા..’ ત્યારે ડો.રાવે કહ્યું ‘બોલો, ચાર મહિને સે ક્યા કોશિશ કી હૈ, તુમને મુજે મિસ ગાઈડ કિયા…યુ પેઈન્ટેડ રોઝી રોઝી પિક્ચર.’ જ્યારે કોવિડ વોર્ડ શરૂ થઈ ગયા છતાં પીડિયાટ્રિક વોર્ડ કેમ ખસેડાયો નહીં ? તેવા સવાલના જવાબમાં ડો.દેવેશ્વર બોલવા જતાં જ ડો.રાવે સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે ‘કુછ મત બોલો, કુછ નહીં કિયા હૈ તુમને, બેઠે રહે હો ઓફિસ મે. મેને બ્લડ ડોનેટ કિયા હૈ, મૈ ખુરશી પે નહીં બેઠતા. મુઝે માલૂમ હૈ (નામ લીધા વિના) દિલ્હી મે બેઠા હૈ ઉસકો કહોગે…’ આટલું સાંભળતાં જ પરસેવો વળી ગયો હતો.
ડો.રાવે ખખડાવી નાખતાં એમ પણ સંભળાવી દીધુ કે, સરકારમાં તમે મારૂં નામ ડુબાડ્યું હોત. કોવિડ પેશન્ટ્‌સ આવી ગયા છે, ઓક્સિજનની પાઈપ હવે કોણ નાખશે ? એક તબક્કે તો ડો.રાવે તેમને મને મળવાનું નહીં, બધાની સામે બોલો એમ કહેતાં જ ડો.દેવેશ્વરનું મોઢું વિલાઈ ગયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ડો.રાવે એક તબક્કે એમ પણ અંગ્રેજીમાં ચીમકી આપી દીધી કે, ૭ દિવસમાં મને જવાબ જોઈશે નહીં તો હું તેમને ક્યાંક બીજે પણ મૂકી શકું છું. (આઈ કેન પુટ યુ સમવેર ઓલસો) ડો.રાવે તેમને સંબોધીને કહ્યું કે, જો મે એડવાઈઝરો અશોક પટેલ અને ડો.મીનુ પટેલને ન મૂક્યા હોત તો આ બાબતથી હું અજાણ રહ્યો હોત.
ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે લોહીની જરૂર પડતી હોવાથી કોરોના ઓએસડી ડો.વિનોદ રાવે રક્તદાન કરીને એક ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. રક્તદાન બાદ મળેલી બેઠકમાં ડો.રાવે સયાજીના સુપરિન્ટેન્ડન્ટ ડો.દેવેશ્વરને તતડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘બેઠે રહે હો ઓફિસ મે. મૈને બલ્ડ ડોનેટ કિયા હૈ, મૈ ખુરશી પે નહીં બેઠતા.’
કોવિડ મહામારીમાં એસએસજી હોસ્પિટલમાં પૂરતી સુવિધા ઊભી કરવાની બાબતમાં સરિયામ નિષ્ફળ પુરવાર થયાની કોરોના તંત્ર સામે છબી ધરાવતા સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળે છે.