રેલવે, પોસ્ટ, ડિફેન્સ, ઇપીએફઓ, ઇએસઆઇસી જેવા કોમર્શિયલ એકમોના ૧૬.૯૭ લાખ જેટલા નોન-ગેઝેટેડ કર્મચારીઓને ૨૦૧૯-૨૦ માટે લાભ મળશે, વિજયા દશમી પહેલાં જ ૨,૭૯૧ કરોડ રૂપિયા કર્મચારીઓના ખાતામાં ટ્રાન્સફર કરાશે
ઉત્પાદકતા અને બિન ઉત્પાદકતા સાથે સંકળાયેલું
બોનસ નોન ગેઝેટેડ કેન્દ્રીય કર્મચારીઓને
આપવાની સરકારની જાહેરાતથી ૧૩.૭૦
લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે અને સરકાર પર ૯૪૬ કરોડનો આર્થિક બોજો પડશે
કેબિનેટની બેઠકમાં જમ્મુ-કાશ્મીર પંચાયતી રાજ અધિનિયમ ૧૯૮૯ને કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ કરવાની મંજૂરી પણ અપાઇ : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
(એજન્સી) અંકારા, તા. ૨૧
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે, ૨૦૧૯-૨૦ માટે ૩૦ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને બોનસ મળશે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ૨૦૧૯-૨૦ના વર્ષ માટે બોનસ અથવા પીએલબી સાથે સંકળાયેલી ઉત્પાદકતા માટે આ મંજૂરી અપાઇ છે. આના કારણે રેલવે, પોસ્ટ, ડિફેન્સ, ઇપીએફઓ, ઇએસઆઇસી જેવા કોમર્શિયલ એકમોના ૧૬.૯૭ લાખ જેટલા નોન-ગેઝેટેડ કર્મચારીઓને લાભ મળશે. સરકારની આ જાહેરાતથી કેન્દ્રના ૩૦ લાખ કર્મચારીઓ દિવાળી બોનસ મળશે. કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા કર્મચારીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, તુરંત પૈસા ટ્રાન્સફર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આગામી એક અઠવાડિયામાં ૨,૭૯૧ કરોડ રૂપિયા બોનસના રૂપમાં કર્મચારીઓને મળશે અને કર્મચારીઓને એક હપ્તાથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(ડીબીટી) અંતર્ગત વિજયા દશમી પહેલા જ એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર થશે. કેન્દ્રીય મંત્રીમંડળે ૨૦૧૯-૨૦૨૦ માટે ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસ અને બિન ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસને મંજુરી આપી દીધી. આ જાહેરાતથી ૩૦ લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે અને તેનાથી કુલ ૩,૭૩૭ કરોડનો ખર્ચો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે, પોસ્ટ, ડિફેન્સ, ઇપીએફઓ, ઇએસઆઇસી જેવા વિભાગોના નોન ગેઝેટેડ કર્મચારીઓને વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટે બોનસ ચુકવવા માટે પોતાની મંજુરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, બીન-પીએલબી અથવા તદર્થ બોનસ નોન ગેઝેટેડ કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે. સરકારની આ જાહેરાતથી ૧૩.૭૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે અને સરકાર પર ૯૪૬ કરોડનો આર્થિક બોજો પડશે. બોનસથી કુલ ૩૦.૬૭ લાખ કર્મચારીઓને લાભ થશે અને કુલ નાણાંકિય ખર્ચ ૩,૭૩૭ કરોડ રૂપિયા થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત સપ્તાહેમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સરકાર કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. જેના માધ્યમથી કર્મચારી એડવાન્સમાં ૧૦ હજાર રૂપિયા લઈ શકશે. તમને જણાવી દઈએ કે કોવિડ ૧૯ની અર્થવ્યવસ્થા ઉપર અસરને જોતા નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પેશયલ એલટીસી સ્કીમની પણ જાહેરાત કરી છે. તેનો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે. આ સ્કીમમાં એલટીએના બદલે કર્મચારીઓને કેશ વાઉચર મળશે. જો કે, તેનો ઉપયોગ ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા કરવાનો રહેશે. જો કે, આ સુવિધાનો લાભ લેવા માટે સરકારે કેટલીક ગાઈડલાન્સ આપી છે જેનું પાલન કરવાનું રહેશે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી મંડળે બુધવારે જમ્મુ-કાશ્મીર પંચાયતી રાજ અધિનિયમ ૧૯૮૯ને કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ કરવાની મંજૂરી પણ આપી દીધી હતી.માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આનાથી દેશના અન્ય ભાગોની જેમ જમ્મુ-કાશ્મીરમાં પણ જમીની સ્તરે લોકશાહીના ત્રણ સ્તરોને સ્થાપિત કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ સમાપ્ત થયા બાદ ભારતના અનેક જન કલ્યાણના કાયદા અહીં લાગુ થવાની શરૂઆત થઇ છે. પાછલા અઠવાડિયે જ ત્રિસ્તરીય પંચાયત સમિતિનો જે કાયદો સમગ્ર દેશમાં લાગુ છે તે જમ્મુ-કાશ્મીરમાં પણ લાગુ થઇ ગયો છે. કાશ્મીર પર આ જ અન્યાય હતો. જન કલ્યાણના અનેક કાયદા ભારતમાં હોવા છતાં લાગુ થઇ શકતા ન હતા. આજે આ નિર્ણય પર મહોર લાગી છે અને જિલ્લા વિકાસ પરિષદની સીધીચૂંટણઈ થઇને જન પ્રતિનિધિઓના હાથમાં સત્તા આવશે. લોકો હવે ચૂંટણી દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટી શકશે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વાયદો કર્યો હતો કે, ત્રિસ્તરીય પંચાયતી સમિતિની રચના જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરવામાં આવશે. જે આજના નિર્ણયથી પૂરો થઇ ગયો છે. આના કારણે લોકશાહી પ્રક્રિયા મજબૂત થશે. કાશ્મીરના લોકો આ પરિવર્તનનું સ્વાગત કરશે.
Recent Comments