(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
દેશમાં કોરોનાનો કહેર યથાવત છે અને દરરોજ નવા કેસોની સંખ્યામાં વધારો નોંધાતો જોવા મળે છે. કોરોના વાયરસનો કાળમુખા પંજામાં દેશના મોટાભાગના વિસ્તારો આવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૭૪,૦૦૦ને પાર થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૫૩૨ નવા પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ કેસો ૭૪,૨૮૧ થઈ ગયા છે. એક દિવસમાં દેશમાં ૭૩ લોકોનાં મોત થયા હોવાથી અત્યાર સુધીમાં કુલ ૨,૪૧૫ મરણ થયા છે. સાથે જ અત્યાર સુધી ૨૪,૩૮૫ લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે ૨૪,૪૨૭ સંક્રમિતો સાથે મહારાષ્ટ્ર પહેલા નંબરે છે અને બીજા નંબરે ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા ૮,૯૦૪ થઈ ગઈ છે અને હવે તમિલનાડુ ૮,૭૧૮ સંક્રમિતો સાથે ત્રીજા નંબરે આવી ગયું છે. ઝારખંડના સ્વાસ્થ્ય સચિવ નીતિન મદાન કુલકર્ણીએ બુધવારે જણાવ્યું કે, એક વ્યક્તિ જે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં સોમવારે રાતે રાંચી પહોંચ્યો હતો. તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૭૩ થઈ ગઈ છે. કર્ણાટક સરકારે ૧૭ મે બાદ જીમ અને હોટલો ખોલવા તૈયાર છે.