(એજન્સી) મુંબઈ, તા.૮
કોરોના વાયરસના દર્દીઓ મામલે મહારષ્ટ્રે હવે ચીનને પાછળ છોડી દીધુ છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ત્રણ હજારથી વધારે કોરોના વાયરસના દર્દીઓની પુષ્ટી થઈ છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં હવે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૮૫ હજારને પાર કરી ગઇ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩,૦૦૭ નવા દર્દીઓની પુષ્ટી થઈ છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૮૫,૯૭૫ થઈ ગઈ છે. કોરોના વાયરસ ચીનના વુહાનથી ફેલાવવાનો શરૂ થયો હતો. જો કે, ચીનમાં કોરોના વાયરસના સંક્રમણ લગભગ કંટ્રોલમાં આવી ગયું છે અને અત્યાર સુધીમાં ૮૩,૦૩૬ કેસ જ સામે આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે થતા મોતનો આકંડો ત્રણ હજારને પાર કરી ગયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૯૧ લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી ૩,૧૬૯ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સતત સારવાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૧,૯૨૪ કોરોના વાયરસના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી ૩૯,૩૧૪ કોરોના દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યારે કોરોનાના ૪૪,૩૮૪ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં મુંબઇ કોરોના વાયરસના કારણે સૌથી વધુ પ્રભાવિત છે. મુંબઇમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૪૨૦ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ મુંબઇમાં અત્યાર સુધીમાં ૪૮,૭૭૪ દર્દી કોરોના વાયરસથી સંક્રમીત છે. આ સાથે જ મુંબઇમાં કોરોનાના કારણે ૬૧ લોકોના મોત થયા છે. મુંબઇમાં અત્યાર સુધીમાં ૧,૬૩૮ લોકો કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં ૫,૫૧,૬૪૭ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯થી પોલીસના એક અધિકારી સહિત આશરે ૩૩ પોલીસકર્મીઓના મોત થયા છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૫૬૨ પોલીસકર્મીઓમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી થઈ છે. અધિકારીએ કહ્યું, આ ૩૩ પોલીસમાંથી ૧૮ મુંબઈ પોલીસથી છે. હાલના સમયે રાજ્ય પોલીસના ૧૪૯૭ કર્મીઓની કોવિડ-૧૯ની સારવાર ચાલી રહી છે જેમાંથી ૧૯૬ અધિકારી સામેલ છે.