અમદાવાદ, તા.૯
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. ત્યારે કોરોનાના સંક્રમણથી બચવા દરેક જગ્યાએ ગાઈડલાઈન અપાઈ છે. પણ ગુજરાતીઓ આ ગાઈડલાઈનનું પાલન કરવામાં ઉણું ઉતર્યા છે. માત્ર ત્રણ મહિનાના ગાળામાં જાહેરમાં થૂંકવા અને માસ્ક ન પહેરવા બદલ ગુજરાતના નાગરિકો પાસેથી રૂા.૬૦ કરોડનો દંડ વસૂલ્યો છે. કોરોનાએ રાજ્યના પ્રજાજનો પર દંડનો જોરદાર કોરડો વિંઝ્યો છે. ૧ જુલાઈથી કોરોનાનો ભંગ કરનાર નાગરિકો સામે કડક દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી માત્ર ૧૦૦ દિવસના ગાળામાં ગુજરાતમાં માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ નાગરિકો દંડ પેટે ગુજરાત સરકારની તિજોરીમાં રૂા.૬૦ કરોડ જમા કરાવી ચૂક્યા છે. માત્ર અમદાવાદ શહેરમાં માસ્ક ન પહેરતા અને જાહેરમાં થૂંકનાર પાસેથી ત્રણ મહિનામાં ૧૮ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
તા.૧ જુલાઈથી તા.૮/૧૦/ર૦ર૦રના રોજ ૧૦૦ દિવસ થઈ રહ્યા છે. આ ૧૦૦ દિવસમાં ગુજરાત સરકારે માસ્ક નહીં પહેરતાં કે જાહેરમાં થૂંકતા નાગરિકો પાસેથી ૬૦ કરોડનો ધરખમ દંડ વસૂલ કર્યો છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ ઉમેર્યું કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ સહિતના શહેરી વિસ્તારોમાં વિશેષ કાર્યવાહી થઈ રહી છે. ખાસ કરીને લોકોની ભીડ વિશેષ થતી હોય તેવા વિસ્તારોમાં માસ્ક પહેર્યા વગર નીકળતા લોકોના કારણે કોરોના સંક્રમણ થવાનો ખતરો રહે છે. આવા લોકો પાસેથી પોલીસ દંડ વસૂલાત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ૧ જુલાઈથી માસ્ક અને જાહેરમાં થૂંકનાર પાસેથી દંડ વસૂલાત શરૂ કરવામાં આવી છે. પ્રારંભે રૂા.ર૦૦ દંડ વસૂલવામાં આવતો હતો. ત્યારબાદ હાઈકોર્ટના હુકમ પછી તે અત્યારે રૂા.૧૦૦૦ છે.
લોકો માસ્ક પહેરે તે માટે ટ્રાફિક પોલીસ ખાસ તકેદારી લઈ રહી છે. માસ્કની જનજાગૃતિ માટે ટ્રાફિક પોલીસની પ૬ ખાસ પ્રકારની બાઈકમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવાઈ છે. બાઈકમાં માઈક દ્વારા લોકોને જાણકારી આપવામાં આવે છે કે, કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવો ફરજિયાત છે. આમ છતાં, નિયમભંગ કરનાર પાસેથી દંડ વસૂલાત કરવામાં આવે છે.
જો કે, કડક દંડ વસૂલવાનો નિર્ણય કર્યો હોવા છતાં અને દંડ વસૂલાઈ રહ્યો હોવા છતાં દરરોજ અનેક લોકો માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા પકડાય છે કે, જાહેરમાં થૂંકતા પકડાય છે અને દંડ ભરે છે પણ બેદરકારી છોડતા નથી.
Recent Comments