(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૪
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના લોકડાઉન-કરફ્યુ સહિતના પગલાઓ બાદ પણ તેનો કોપ યથાવત રહ્યો છે એટલું જ નહીં અનલોક-૧ હેઠળ છૂટછાટ શરૂ થતા છેલ્લા બે દિવસથી તો કોરોના પોઝિટિવ કેસોમાં વિસ્ફોટક ઉછાળો જોવા મળી રહ્યો છે અને ર૪ કલાકના કેસ પ૦૦ની નજીક પહોંચી ગયા છે. અનલોક-૧ હેઠળ લોકો બેરોકટોક બહાર નીકળવા માંડતા છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસમાં વધારા થતા ૪૯પ પોઝિટિવ કેસ બહાર આવ્યા છે તો કોરોનામાં મૃત્યુના પ્રમાણમાં પણ વધારો નોંધાતા આજે વધુ ૩૩ વ્યક્તિઓના કોરોનાને લીધે જીવ ગયા છે તો બીજી તરફ કોરોનામાંથી વધુ ૪પપ દર્દીઓ સાજા થવામાં સફળ રહ્યા છે.
કોરોનાનો કહેર રાજ્યમાાં દિવસે-દિવસે વધી રહ્યો છે. જે અનલોકની સ્થિતિમાં ઝડપથી વધ્યો હોય તેમ છેલ્લા બે દિવસથી જણાઈ આવે છે. ગત રોજના ૪૮પ કેસ બાદ આજે ર૪ કલાકમાં વધુ નવા વિસ્ફોટક એવા ૪૯ર પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. જેમાં અમદાવાદમાં જ ર૯૧ કેસ નોંધાવવા પામ્યા છે. તો સુરતમાં પણ કેસોમાં બે દિવસથી ખાસ્સો વધારો નોંધાયો છે. આજે સુરતમાં નવા ૮૧ કેસ તથા વડોદરામાં-૩૯ કેસ, ગાંધીનગરમાં-ર૧, મહેસાણામાં-૯, બનાસકાંઠામાં-૬, આણંદ-ખેડા-સાબરકાંઠા-દાહોદ-નર્મદામાં ૪-૪ કેસ, પંચમહાલમાં-૩, રાજકોટ- જામનગરમાં ૨-૨ તથા અન્ય રાજ્યોમાંથી આવેલ-૮ કેસ તથા અન્ય છ જિલ્લામાં ૧-૧ કેસ નોંધાવવા પામેલ છે. આ કેસોને પગલે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક ૧૮૬૦૯ પર પહોંચ્યો છે તો અમદાવાદમાં નવા ર૯૧ કેસો બાદ કુલ કોરોના કેસ ૧૩૩૫૪ પર પહોંચ્યા છે.
રાજ્યમાં કોરોનાનો મૃતાંક પણ ઝડપથી વધી રહ્યો છે જેમાં છેલ્લા ૧૦-૧પ દિવસથી અને તેમાં પણ બે-ત્રણ દિવસથી તો મૃત્યુનું પ્રમાણ ખાસુ વધી રહ્યું છે. છેલ્લા ર૪ કલાકમાં વધુ ૩૩ વ્યક્તિઓ કોરોનાનો ભોગ બનતા કુલ મૃત્યુઆંક ૧૧પપ થવા પામ્યો છે. જેમાં આજે અમદાવાદમાં વધુ ર૮ વ્યક્તિઓ મોતને ભેટતાં તેનો કુલ કોરોનાનો મૃતાંક ૯૩૮ પર પહોંચ્યો છે. અમદાવાદ સિવાય આજે બોટાદ, કચ્છ, ગાંધીનગર, પાટણ અને વલસાડ જિલ્લામાં ૧-૧ વ્યક્તિઓના દુઃખદ અવસાન થયેલ છે. બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓનું પ્રમાણ પણ સારૂં એવું વધ્યું છે. જો કે, અગાઉના વિસ્ફોટ વધારા કરતા ઓછા થયેલ છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યભરમાં વધુ ૪પપ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેમાં અમદાવાદમાંથી ર૯૬, વડોદરામાં ૩૪, સુરતમાં પ૩, મહિસાગરમાં પ્રથમવાર વધુ સંખ્યામાં પ૧ દર્દીઓ અને આણંદમાં ૪, નર્મદા-સાબરકાંઠા-વલસાડમાં ૩-૩ દર્દી, ભાવનગર-મહેસાણામાં ર-ર તેમજ અરવલ્લી, ગાંધીનગર, પાટણ તથા રાજકોટમાં ૧-૧ દર્દી સાજા થવા પામેલ છે. આજના આ દર્દીઓ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧ર,૬૬૭ દર્દી કોરોનામુક્ત થયા છે. રાજ્યમાંના કુલ કોરોના દર્દીઓ પૈકી ૬૮ને વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે, તો ૪૭૧૧ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ (સ્થિર) દર્શાવવામાં આવી રહી છે. રાજ્યમાં આજ સુધીમાં કુલ ર,ર૦,૬૯પ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ર,૧૩,ર૬રને હોમ ક્વોરન્ટાઈન હેઠળ તથા ૭૪૩૩ને ફેસીલિટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

રાજ્યમાં કોરોનાના નવા કેસ

જિલ્લો કેસ
અમદાવાદ ૨૯૧
સુરત ૮૧
વડોદરા ૩૯
ગાંધીનગર ૨૧
મહેસાણા ૦૯
બનાસકાંઠા ૦૬
આણંદ ૦૪
અરવલ્લી ૦૪
ખેડા ૦૪
સાબરકાંઠા ૦૪
દાહોદ ૦૪
નર્મદા ૦૪
પંચમહાલ ૦૩
રાજકોટ ૦૨
ભાવનગર ૦૨
બોટાદ ૦૧
જામનગર ૦૧
ભરૂચ ૦૧
કચ્છ ૦૧
દેવભૂમિ દ્વારકા ૦૧
સુરેન્દ્રનગર ૦૧
અન્ય રાજ્ય ૦૮
કુલ ૪૯૨